HSRP નંબર પ્લેટ લગાવવા માટે RTOમાં લાંબી લાઇનો
ગાંધીનગર,
રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક જ દિવસમાં નંબર પ્લેટ લગાવી આપવાની જાહેરાત તાજેતરમાં કરી હતી અને તેનો અમલ જાન્યુઆરી ૨૦૧૭ થી કરવાનો હતો. આમ વાહન માલિકોને ડીલરો દ્વારા જ નંબર પ્લેટ લગાવી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું છતાં પણ હાલની પરિસ્થિતિએ લોકોની લાંબી લાઇનો આરટીઓમાં જોવા મળી રહી છે.
વાહન વ્યવહાર મંત્રી દ્વારા તાજેતરમાં વાહન ચાલકોને એક જ દિવસમાં નંબર પ્લેટ ડિલરો દ્વારા લગાડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો અમલ જાન્યુઆરી – ૨૦૧૭ થી કરવામાં આવ્યો છે. આમ વાહન ચાલકોને આરટીઓ કચેરીના ધક્કા ખાવાની નોબત આવશે નહીં પરંતુ સરળતાથી કામગીરી થઇ શકશે તેવું લાગી રહ્યું હતું
પરંતુ સરકારે કરેલી જાહેરાતનો અમલ વચેટીયાઓ દ્વારા થવા દેવામાં નહીં આવતાં હાલમાં આરટીઓ કચેરીમાં વાહન ચાલકોને એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે આખો દિવસ લાઇનમાં ઉભા રહેવું પડે છે અને ધક્કા પણ ખાવા પડે છે તો નંબર ન આવે તો પુનઃ નંબર પ્લેટ લગાડવા માટે આવવું પડે છે અને સમય તેમજ નાણાંનો વ્યય થતાં વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આરટીઓ કચેરીમાં એજન્ટો દ્વારા પૈસા લઇને આ કામગીરી સરળતાથી કરી આપવામાં આવતી હોવાથી ના છુટકે વાહન ચાલકો પણ લાઇનોમાં ઉભા રહેવાના બદલે એજન્ટો જોડે કામ કરાવવાનું મુનાસીફ માની રહ્યાં છે. આમ સરકારે યોજના તો બનાવી પરંતુ તે અંગે યોગ્ય વ્યવસ્થા નહીં ગોઠવતાં વાહન ચાલકોને પણ પરેશાન થવું પડી રહ્યું છે.