સિવિલ હોસ્પિટલમાં વધુ ત્રણ વોર્ડ ઉભા કરવા પડયાં
ગાંધીનગર,
મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.નું છેલ્લું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આખરી ઇન્સ્પેક્શન આગામી દિવસોમાં આવનાર છે. જેને લઇને કોલેજ અને હોસ્પિટલ તંત્ર દોડતું થઇ ગયું છે. એમ.સી.આઇ.ની ગાઇડલાઇન પ્રમાણે વધુ ત્રણ વોર્ડ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવ્યા છે તો સ્વચ્છતા સહિતની બાબતોને ધ્યાનમાં લઇને અધિકારીઓને રોજ રાઉન્ડ લેવા માટે સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ શરૃ કરે પાંચ વર્ષ થઇ ગયા છે અને એમ.બી.બી.એસ.નું આખરી વર્ષનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે ત્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી કોલેજમાં આખરી ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને ત્યારબાદ જ ગાંધીનગર મેડિકલ કોલેજને ફાઇનલ એમ.બી.બી.એસ.ની મંજુરી આપવામાં આવશે.
આ પરિસ્થિતિ વચ્ચે ફેબુ્રઆરી માસ દરમિયાન એમ.સી.આઇ.નું ઇન્સ્પેક્શન આવે તેવી પ્રબળ શક્યતાઓને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તંત્ર દોડતું થઇ ગયું છે અને એમ.સી.આઇ.ના નોમ્સ પ્રમાણે ખુટતા સ્ટાફ સહિતની બાબતો પૂર્ણ કરવાની મથામણમાં પડયું છે.
ત્યારે તાજેતરમાં ચામડી, મનોરોગ અને ટીબીના દર્દીઓ માટે ૩૦-૩૦ બેડની ક્ષમતાવાળા ત્રણ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. વોર્ડ ઉભા કરવા ઉપરાંત ડોક્ટર સહિત સ્ટાફની ભરતી પણ કરી દેવામાં આવી છે તથા વિદ્યાર્થીઓ અને દર્દીઓને લગતાં તમામ પેપર્સ પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સિવિલ સત્તાધિશોને દરરોજ હોસ્પિટલમાં રાઉન્ડ લેવા માટે ડીન દ્વારા સૂચના પણ આપવામાં આવી છે.