માસ પ્રમોશનની વાત પાયાવિહોણી, પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપો: શિક્ષણમંત્રી
હાલ કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં ઓનલાઇ શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે થોડા દિવસોથી લોકોમાં ચર્ચા ઉગ્ર બની છે કે, ધોરણ 10 અને 12 સિવાયનાં વર્ગોને માસ પ્રમોસશ આપી દેવામાં આવશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં આ વાતને રદિયો આપ્યો હતો અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું કે, પરીક્ષા ન લેવાનો કોઇ વિચાર સરકારે કર્યો નથી. જે પણ વાત વહેતી થઇ છે તે પાયા વગરની છે. જ્યારે પણ શાળા ખુલશે અને જેટલો પણ અમે અભ્યાસક્રમ ભણાવ્યો હશે તેટલા અભ્યાસક્રમ પૂરતી પણ અમે પરીક્ષા લઇશું. તેમણે વધુમાં ટકોર કરતા જણાવ્યું કે, કોઇપણ વાત વહેતી થાય તે નહીં પરંતુ સરકાર તરફથી જે પણ જાહેરાત કરવામાં આવે તે જ વાત લોકોએ માનવી જોઇએ. કોઇ પાયા વગરની આધાર વગરની વાતને લોકોએ માનવી જ ન જોઇએ.
આ ઉપરાંત ફી નહીં ભરે તો શિક્ષણ નહીં અંગે બોલતા તેમણે જણાવ્યું કે, સ્કૂલ સંચાલક મંડળે સ્પષ્ટ કર્યું છે કે, ઓનલાઇન શિક્ષણ અમે ચાલુ રાખીશું. ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનની ફરિયાદ છે કે, ઘણા વાલીઓએ છેલ્લા છ મહિનાથી ફી જ ભરી નથી ઉપરાંત તેઓ સ્કૂલે મળવા પણ નથી આવતા કે સ્કૂલમાં ફી ક્યારે ભરશે અને ભરશે કે નહી તે પણ જાણ કરતા નથી.જેથી આવા વાલીઓના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ બંધ કરવામા આવશે. અત્યાર સુધી ફી ન ભરનારા વાલીઓ જો 15 ડિસેમ્બર સુધી સ્કૂલમાં મેનેજમેન્ટને મળવા નહી આવે કે રજૂઆત પણ નહી કરે તો તેમના બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાશે.
સરકારના ઠરાવ મુજબ વાલીએ ફી ન ભરવા મુદ્દે પણ સ્કૂલમાં રૂબરૂ આવીને લેખીત રજૂઆત કરવાની છે. જે વાલીઓ ફી નહી ભરી શકવા મુદ્દે રજૂઆત કરી છે તેમના બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. પરંતુ ઘણા વાલીઓ મળવા નથી આવતા કે ફોનથી પણ જાણ નથી કરતા. જ્યારે બીજી બાજુ સ્કૂલ સંચાલક મંડળના આ નિર્ણયનો વાલી મંડળે વિરોધ કર્યો છે.આ મુદ્દે વાલી મંડળ સરકારને પણ રજૂઆત કરશે.