શહેરી ગરીબ આવાસ યોજના અને એફોર્ડેબલ હાઉસ માટે ૧પ કરોડ ખર્ચાશે
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકાના વર્ષ ર૦૧૭-૧૮ના ડ્રાફટ બજેટમાં પર્યાવરણ સહિતના વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખી ર૧પ કરોડના કેપિટલ ખર્ચમાં વિવિધ વિકાસના કામોને પણ આવરી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત શહેરી ગરીબ આવાસ યોજના અને એફોર્ડેબલ હાઉસનું સૌપ્રથમવાર ગાંધીનગર કોર્પોરેશન સપનું સેવ્યું છે અને આ માટે ૧પ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે તેની સાથે સાયન્ટીફીક લેન્ડ ફીલ્ડ પ્રોજેકટ માટે પણ ર૦.રપ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. તો આ વખતે ગાંધીનગર ફાયર બ્રિગેડને અદ્યતન કરવા માટે ૧૦ કરોડ રૃપિયાનો ખર્ચ પણ કરવામાં આવશે. તેની સાથે ગત વર્ષમાં જે મલ્ટીલેવલ પાર્કીંગની જોગવાઈ હતી તે આ બજેટમા યથાવત રાખી ર૦ કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાના આજે રજૂ કરાયેલા ડ્રાફટ બજેટમાં નવા વર્ષ માટેના વિવિધ વિકાસ કામોની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ર૧પ કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. તબક્કાવાર આ કામો ઉપર નજર કરીએ તો વેસ્ટ એનર્જી, વેસ્ટ સેગ્રીગેશન તથા સીએનડી વેસ્ટ મેનેજમેન્ટ માટે ૧૧ કરોડ, શહેરના કચરાને સાઈન્ટીફીક રીતે નિકાલ કરી ત્યાં અદ્યતન બગીચો બનાવવા માટે ર૦.રપ કરોડ, સોલીડ વેસ્ટ તેમજ સફાઈના નવા વાહનો ખરીદવા માટે ૧પ કરોડ, ગાંધીનગર ફાયર બ્રિગેડમાં નવા વાહનો અને અદ્યતન સાધનો ખરીદવા માટે ૧૦ કરોડ, અમૃત યોજના હેઠળ પાણી, ગટર ગ્રીન સ્પેસીસ અને સાયકલ ટ્રેકના વિવિધ કામો માટે ૧ર કરોડ, ગાંધીનગર શહેરને સ્માર્ટ સીટી બનાવવા અંતર્ગતના બીજા તબક્કામાં વાઈફાઈ સુવિધા તેમજ વિવિધ કામો માટે ૧ર કરોડ, ગાંધીનગર શહેરમાં ઘરવિહોણા પરિવારો માટે હાઉસીંગની સ્કીમ બનાવવા માટે દસ કરોડ, ગાંધીનગર શહેરમાં આવેલા બાગબગીચાઓના નવીનીકરણ માટે ૮.પ૦ કરોડ અને મોટા બગીચાઓમાં નવીનીકરણ માટે સાત કરોડનો ખર્ચ કરવામાં આવશે.
તો ગાંધીનગરમાં કોર્પોરેશન હસ્તકના રંગમંચોના નવીનીકરણ માટે આ વર્ષે પણ નવ કરોડ, ગત બજેટમાં સમાવાયેલા મલ્ટી લેવલ પાર્કીંગનો આ બજેટમાં પણ સમાવેશ કરીને તેના માટે ર૦ કરોડ, તેની સાથે નવા પે એન્ડ પાર્ક અને હાલના પાર્કીંગમાં સુધારા વધારા કરવા માટે બે કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીના રિનોવેશન માટે ચાર કરોડ, શહેરી ગરીબ અને પછાત વિસ્તારોમાં માળખાકીય સુવિધાના કામો માટે બે કરોડ, નવા પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવવા માટે બે કરોડ, શહેરી ગરીબ આવાસ યોજના માટે પાંચ કરોડ, કોર્પોરેશન વિસ્તારના ગામડાઓ માટે બે કરોડ, શાળાઓની સુવિધા માટે ૧.ર૦ કરોડ, સ્માર્ટ આંગણવાડીઓ માટે પ૦ લાખ, વ્હીકલ પુલ મશીનરી અને સર્વિસ સાધનો માટે ૧.૭૦ કરોડ, ઈ-ગવર્નન્સ પ્રોજેકટ માહિતી કેન્દ્રો ઓનલાઈન કરવા એક કરોડ, વોર્ડ કચેરીઓના બાંધકામ માટે ૬૦ લાખ, ફીઝીયોથેરાપી સેન્ટર માટે ર૦ લાખ, મેયરના સૂચનના કામો માટે બે કરોડ અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનના સૂચવેલા કામો માટે પ૦ લાખ તેમજ કોર્પોરેટરોના સૂચનના કામો માટે ર.ર૪ કરોડ તેમજ ખુલ્લામાં મળમુત્ર અટકાવવા સુવિધા ઉભી કરવા રપ લાખ અને નવા કોમ્પ્યુટર પ્રિન્ટર ખરીદવા પ૦ લાખના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે.