ગાંધીનગરગુજરાત

કોરોના પર લગામ લગાવવામાં રાજ્ય સરકારે ખર્ચ્યા રૂ.૧૨૮૯ કરોડ

ગુજરાત સરકારે કોવિડ-19ને અંકુશમાં લાવવા માટે ચાલુ વર્ષના એપ્રિલ મહિનાથી ઓક્ટોબરની વચ્ચે 1,289 કરોડ રૂપિયાનો વિશાળકાય ખર્ચ કર્યો છે. જો આ રકમની આમ ગણતરી કરીએ તો આટલા રૂપિયાથી રાજ્યમાં 4 હજાર બેડની ક્ષમતા ધરાવતી સંપૂર્ણ રીતે સજ્જ મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ બની શકે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં સરકાર કોવિડ-19ના નિયંત્રણ પાછળ વધુ 1 હજાર કરોડ રૂપિયા ખર્ચી શકે છે, કારણ કે ભવિષ્યમાં મહામારી વધુ વિકટ બનશે તેવું સંકટ તોળાયેલું છે. મંગળવાર સુધીમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે મૃતકોની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ જ્યારે સંક્રમિતોની સંખ્યા 7.8 લાખ કરતાં વધારે છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યએ ઓક્ટોબર મહિના સુધીમાં 1,289 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
‘મોટાભાગનો ખર્ચ દવા, પીપીઈ કિટ્સ અને માસ્ક, ડાયગ્નોસ્ટિક કિટ, માનવ સંસાધનો અને કેટલીક વિશેષ માળખાગત જરૂરીયાતો પાછળ થયો છે’, તેમ એક અધિકારીએ કહ્યું હતું. ‘ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલા વર્તમાન માસિક ખર્ચને આગળ વધારીને, કોવિડ કંટ્રોલ પ્રવૃતિઓ માટે 1 હજાર કરોડનો વધારાનો ખર્ચ કરવામાં આવશે. આ તમામ ખર્ચા બિનઆયોજિત છે અને આયોજિત ખર્ચ માટે ફાળવવામાં આવેલા બજેટ કરતાં વધુ છે’, તેમ અધિકારીએ જણાવ્યું હતું. કોરોના કંટ્રોલ પ્રવૃતિઓ પરનો બિનઆયોજિત ખર્ચ રાજ્ય સરકારની તિજોરી અને રાજ્યના આરોગ્ય માળખા પર મોટો બોજ બની રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારે હાલમાં જ 339 કરોડ રૂપિયાના ખર્ચે કિડની હોસ્પિટલના નવા ડિવિઝનનું બાંધકામ કરાવ્યું છે જ્યારે નવી યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલ પાછળ 339 કરોડ રૂપિયા વાપર્યા છે. ‘સરકારે કોરોનાને કંટ્રોલમાં લાવવા માટે જે ખર્ચ કર્યો છે તેનાથી એક નવી તમામ સુવિધાઓથી સજ્જ 4 હજાર બેડવાળી હોસ્પિટલ બનાવી શકી હોત. જો આપણે આવતા વર્ષના માર્ચ મહિના સુધી કોરોના કંટ્રોલના અંદાજિત ખર્ચને ધ્યાનમાં લઈએ તો નવી હોસ્પિટલની બેડની ક્ષમતા 7500 થઈ જશે’, તેમ અધિકારીએ કહ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x