પક્ષાંતર ધારાની ફરિયાદમાં હવે તા.૯મીની મુદ્દત પડી
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસને ૧૬-૧૬ બેઠકો મળી હતી. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર પ્રવિણ પટેલ પક્ષપલ્ટો કરીને ભાજપમાં બેસી ગયા હતા અને મેયરપદુ મેળવી લીધું હતું.
ત્યારે કોંગ્રેસના વિરોધપક્ષના નેતાએ નામોનિર્દિષ્ટ અધિકારી સમક્ષ મેયર પ્રવિણ પટેલને પક્ષાંતર ધારા હેઠળ તેમનું સભ્યપદ રદ કરવા માટે પીટીશન દાખલ કરી હતી. જેમાં બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થઈ ગયા બાદ હવે ગમે ત્યારે ચુકાદો આવી શકે છે ત્યારે આ સ્થિતિમાં હવે તા.૯મીએ નામોનિર્દિષ્ટ અધિકારી સામે મુદ્ત રાખવામાં આવી છે.
ગાંધીનગરની મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણી મેયરની ચૂંટણી યોજવા માટે મળેલી સામાન્ય સભાના કલાકો પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટર પ્રવિણ પટેલ પક્ષપલ્ટો કરીને ભાજપમાં ભળી ગયા હતા અને મેયરપદુ મેળવી લીધું હતું. જેથી કોંગ્રેસ દ્વારા મેયરને નોટિસ ફટકારી ખુલાસો પુછયો હતો. જો કે નોટિસની પંદર દિવસની મુદત પુરી થવા છતાં મેયર દ્વારા કોંગ્રેસને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો.
ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અને વોર્ડ નં.ર ના કોર્પોરેટર શૈલેન્દ્રસિંહ બિહોલાએ સચિવાલય સ્થિત નામોનિર્દિષ્ટ અધિકારી સમક્ષ પક્ષાંતરધારાની કલમ-૩ મુજબ પક્ષ પલટો કરનાર અને કોંગ્રેસના વ્હીપને ગ્રાહ્ય નહીં રાખનાર કોર્પોરેટર પ્રવિણ પટેલનું સભ્ય પદ રદ કરવા માટે પીટીશન દાખલ કરી હતી. જેની સુનાવણી શરૃ થઈ ગઈ હતી અને બન્ને પક્ષો દ્વારા જવાબો રજૂ કરી દેવામાં આવ્યા હતા.
પાંચથી છ મુદત પૂર્ણ થઈ ગયા બાદ નામોનિર્દિષ્ટ અધિકારી દ્વારા ચૂકાદો ગમે ત્યારે જાહેર કરવાની શક્યતા છે. આવી સ્થિતિમાં આગામી તા.૯ ફેબુ્રઆરીના ગુરૃવારના રોજ મુદ્ત રાખવામાં આવી છે જેમાં ચુકાદો જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.