ગાંધીનગર કોર્પોરેશન હસ્તકના રંગમંચોને હવે સીસીટીવીથી સજ્જ કરાશે
ગાંધીનગર,
ગાંધીનગર શહેર જેતે સમયે રંગમંચ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેની જાળવણી નહીં થતાં તે ખંડેર બન્યા હતા.ત્યારે હવે કોર્પોરેશન રંગમંચોને રીનોવેટ કરી અદ્યતન બનાવી રહી છે. ત્યારે ત્યાં કોઈ અસામાજીક તત્ત્વો અડ્ડો ના જમાવે અને નવા બનેલા રંગમંચોમાં કોઈ પ્રકારનું નુકશાન ના થાય તે માટે તેને સીસીટીવીથી સજ્જ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાટનગર ગાંધીનગર શહેરને વિકસાવવામાં આવ્યું ત્યારે નાગરિકોની તમામ પ્રકારની સુખસુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. સેકટરોમાં બગીચા, રંગમંચ, શોપીંગ સેન્ટર તેમજ સુવિધા કચેરીઓ ઉભી કરવામાં આવી હતી. નાગરિકો પોતાના કોઈપણ નાનામોટા પ્રસંગ ઉજવી શકે તે હેતુથી આ રંગમંચો બનાવવામાં આવ્યા હતા.
જો કે પાટનગર યોજના વિભાગ હસ્તકના આ રંગમંચોની યોગ્ય જાળવણી નહી થતાં તે અસામાજીક તત્ત્વોનો અડ્ડો બન્યા હતા અને જેના કારણે આ રંગમંચો ખંડેર જેવા થઈ ગયા હતા. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાએ આ રંગમંચોને સ્વીકારવાનું નક્કી કર્યું હતું અને તેમાં કરોડો રૃપિયાનો ખર્ચ કરી અદ્યતન બનાવવાનું પણ નક્કી કર્યું છે. સે-૧૬નો રંગમંચ અદ્યતન બની ગયા બાદ અન્ય છ જેટલા રંગમંચોને પણ અદ્યતન બનાવવામાં આવી રહયા છે.
ત્યારે હવે તૈયાર થતાં આ રંગમંચોને કોઈ નુકશાન પહોંચાડે નહીં અને તેમાં અસામાજીક તત્ત્વો અડ્ડો જમાવે નહીં તે હેતુથી આ રંગમંચોને સીસીટીવીથી સજ્જ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તૈયાર થનારા રંગમંચોને સીસીટીવી અને સિક્યોરીટીથી સજ્જ કરવામાં આવશે જેથી અન્ય કોઈ સમસ્યાઓ સર્જાશે નહીં.