ગાંધીનગરગુજરાત

બદલાતા હવામાનની રહિશોના સ્વાસ્થ્ય પર અસર

ગાંધીનગર,
ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. બે દિવસ શિયાળા જેવી ઠંડી પડે છે તો બે દિવસ ઉનાળાની શરૃઆત થઇ ગઇ હોય તેવી ગરમીનો અનુભવ થાય છે આમ હવામાન બદલાવાને કારણે તેની નગરજનોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. શરદી અને ખાંસી તથા કફની તકલીફો વધી છે તો સાથે સાથે કાન-નાક અને ગળામાં બળતરા તથા તાવના દર્દીઓ પણ વધ્યા છે.પાનખરને કારણે ડસ્ટ તથા એલર્જીને લગતા કેસ પણ વધશે તેમ તબીબો જણાવી રહ્યા છે.

મકરસંક્રાંતિ બાદ સિઝને ટોપ ગેઇર પકડયો હોય તેમ અચાનક જ તાપમાનનો પારો નીચે ગગડયો હતો અને સિઝનની સૌથી વધુ ઠંડી પડી હતી અને શિયાળાએ તેનો અસલી મિજાજ બતાવતા ગાંધીનગર રાજ્યનું સૌથી ‘કુલેસ્ટ’ સીટી પણ બની ગયું હતું.

તો ૨૬મી જાન્યુઆરી બાદ વાતાવરણમાં નાટયાત્મકરીતે પલટો સતત આવી રહ્યો છે. બે દિવસ ઉનાળાની શરુઆત જેવી ગરમીનો અનુભવ થાય છે તો ત્યાર બાદ બે દિવસ શિયાળો હજી સુધી પુર્ણ થયો ન હોય તેવી ઠંડી પણ પડી રહી છે. આમ, સતત બદલાતા હવામાનને કારણે તેની સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પણ પડી રહી છે. બિમારીઓ અચાનક જ વધી ગઇ છે.

આ અંગે સિવિસ હોસ્પિટલના એક ફિજીશીયન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ બેવડી નહીં પણ બદલાતી ઋતુ ચાલી રહી છે. જેની સીધી અસર સ્વાસ્થ્ય પર વર્તાઇ રહી છે. માનવ શરીર ઠંડીની ટેવ પાડે કે તરત સીઝન બદલાઇ જાય અને ગરમી શરુ થઇ જાય તેવી જ રીતે ગરમીથી માંડ શરીર ટેવાયું હોય ત્યાં ઠંડી શરુ થઇ જાય જેના કારણે બિમારીઓ ઘર કરી જતી હોય છે.

આવી બદલાતી સિઝનમાં ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જતી હોય છે. જેના કારણે શરદી,ખાંસી-ઉધરશ સહિત કફની તકલીફો વધી જાય છે તો સાથે સાથે તાવના દર્દીઓ પણ આ સિઝનમાં વધે છે. એટલુ જ નહીં, પાનખરની ઋુતુ શરુ થઇ રહી છે તેવી સ્થિતિમાં પાન ખરવાની સાથે પાંદડાઓ ઉપર ચોંટેલી ‘રજ’ પણ ખરે છે અને હવામાં ફેલાઇ જાય છે. જેના કારણે ખાંસી અને એલર્જીના કેસો વધશે તેમ પણ તબીબોએ દહેશત વ્યક્ત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x