વેક્સિનની કામગીરીને કોઇ ખલેલ ન પડે અને દુર્ઘટના સર્જાવાનો અવકાશ ન રહે તે માટે સિવિલની કેન્ટીન તોડી પડાઇ
ગાંધીનગર :
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જુના પીપી યુનીટમાં કોરોના વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે અહીં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાની વેક્સીન રાખવામાં આવી છે ત્યારે ગઇકાલે અહીં ૧૦૦ કોરોના વોરિયર્સને રસી પણ આપવામાં આવી હતી. ત્યારે આ વેક્સીનરૂમને અડીને આવેલી કેન્ટીનને તોડી પાડવામાં આવી છે. વેક્સિન જ્યાં સંગ્રહિત કરવામાં આવી છે તે જગ્યાએ કેન્ટીનને લઇને કોઇ હાની ન પહોંચે તે માટે આ કેન્ટીન ખસેડીને બીજે લઇ જવામાં આવી છે.
ગાંધીનગર સિવિલ સંકુલમાં પીપી યુનીટમાં કોરોના વિરોધી વેક્સિન સંગ્રહિત કરવામાં આવી છે અને અહીં જરૃરી બેથ આઠ ડિગ્રી વચ્ચેના તાપમાનમાં કોવિશીલ્ડ વેક્સિનને ડીપ ફ્રીજમાં રાખવામાં આવી છે. ત્યારે આ વેક્સિનનેશન રૃમની બારી જ્યાં પડે છે ત્યાં જ કેન્ટીન હોવાને કારણે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા આ કેન્ટીંન ત્યાંથી હટાવી દેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જેને પગલે કેન્ટીનના સંચાલકોએ અહીંથી કેન્ટીન તોડી પાડી છે અને તેને બીજે એટલે કે, ચીપ ટાઇપ શોપીંગ સેન્ટરની પાછળના ભાગે ખસેડવામાં આવી છે. આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, આ કેન્ટીનનો કોન્ટ્રાક્ટ તો અગાઉ પુર્ણ થઇ ગયો હતો પરંતુ કોરોના દર્દીઓના સગાને અન્ય જગ્યાએ જવું ન પડે તે માટે માનવતાના ધોરણે અહીં કેન્ટીન ચાલુ રાખવામાં આવી હતી ત્યારે હવે અહીં વેક્સિનરૃમ હોવાને કારણે દુર્ઘટનાઓની સંભાવનાઓને દુર કરવાના ભાગરૃપે આ કેન્ટીન અહીંથી તોડી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્ટીન અહીંથી તોડી પાડયા બાદ ૬૦૦ બેડની હોસ્પિટલમાં ચા-નાસ્તો લાવવો દુર થઇ ગયો છે ત્યારે આગામી દિવસોમાં અહીં દબાણો ખડકાઇ જાય તો નવાઇ નથી.