દેશમાં 2.25 લાખથી વધુને કોરોનની રસી અપાઈ, 447ને આડ અસર
નવી દિલ્હી :
ભારતમાં દેશવ્યાપી રસીકરણ અભિયાનના બે દિવસમાં કુલ ૨.૨૫ લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવી છે, જેમાંથી માત્ર ૪૪૭ લોકોમાં સામાન્ય આડઅસર જોવા મળી છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું. જોકે, મહારાષ્ટ્રમાં રસીકરણ અભિયાન બે દિવસ માટે મુલતવી રખાયું છે. બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન પર વૈશ્વિક મીડિયાની પણ નજર છે. પડોશી દેશો પાકિસ્તાન, નેપાળથી લઈને ઓસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકા સહિતના દેશોએ ભારતના રસીકરણ અભિયાનના સમાચાર પ્રકાશિત કર્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અજ્ઞાાનીએ જણાવ્યું હતું કે, ૪૪૭ લોકોમાં રસીની આડ અસર જોવા મળી હતી, તેમાંથી માત્ર ત્રણ વ્યક્તિને જ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. રસીની આડ અસરોમાં મોટાભાગે લાભાર્થીઓએ સાધારણ તાવ, માથામાં દુખાવો, ઉલટીની ફરિયાદો કરી હતી. રવિવારે માત્ર છ રાજ્યોમાં રસીકરણની કામગીરી હાથ ધરાઈ હતી.
દેશમાં શનિવારે રસીકરણના પ્રથમ દિવસે ૨.૦૭ લાખથી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઈ હતી જ્યારે બીજા દિવસે છ રાજ્યોમાં ૫૫૩ સત્રોમાં ૧૭,૦૭૨ લોકોને રસી અપાઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, રવિવારે આંધ્ર પ્રદેશમાં ૩૦૮ સત્ર, અરુણાચલ પ્રદેશમાં ૧૪ સત્ર, કર્ણાટકમાં ૬૪ સત્ર, કેરળમાં એક સત્ર, મણિપુરમાં એક સત્ર અને તમિલનાડુમાં ૧૬૫ સત્રમાં રસી આપવામાં આવી હતી. દેશમાં રસીકરણના બે દિવસમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ૨૧,૨૧૯ લોકોએ રસી લગાવી છે. ત્યાર પછી આંધ્ર પ્રદેશમાં ૧૮,૪૧૨, મહારાષ્ટ્રમાં ૧૮,૩૨૮, બિહારમાં ૧૮,૧૬૯, ઓડિશામાં ૧૩,૭૪૬, કર્ણાટકમાં ૧૩,૫૯૪ અને ગુજરાતમાં ૧૦,૭૮૭ લોકોને રસી આપવામાં આવી છે.
અજ્ઞાનીએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૪,૩૦૧ લાભાર્થીઓને રસી અપાઈ છે, જેમાં ૨,૦૭,૨૨૯ લોકોને પહેલા દિવસે રસી અપાઈ હતી. અગાઉ પહેલા દિવસે ૧.૯૧ લાખ લાભાર્થીઓને રસી અપાયાની સરકારે જાહેરાત કરી હતી. આ સાથે ભારતમાં એક જ દિવસમાં વિશ્વમાં સૌથી વધુ લોકોને રસી આપવાનો વિક્રમ સર્જાયો છે. તેમણે કહ્યું હતુ ંકે, રસી લીધા પછી ત્રણને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી, જેમાંથી બેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. અન્ય એક હજી ઋષિકેશની એઈમ્સમાં નિરિક્ષણ હેઠળ છે અને તેનું સ્વાસ્થ્ય હાલ સારું છે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં રસીકરણના બીજા દિવસે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં રસીકરણ અભિયાનમાં ઊભી થયેલી સમસ્યાઓની સમિક્ષા કરાઈ હતી. રાજ્યોમાં સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય સેવાઓમાં કોઈ અવરોધો ઊભા ન થાય તે માટે તેમને સપ્તાહમાં ચાર દિવસ રસીકરણની કામગીરી હાથ ધરવાની સલાહ આપવામાં આવી હતી. કેટલાક રાજ્યોએ તેમના સાપ્તાહિક રસીકરણ અભિયાનના દિવસોની અગાઉથી જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશે ભારતના રસીકરણ અભિયાનના સમાચાર પ્રકાશિત કરવાની સાથે આશા વ્યક્ત કરી છે કે ભારત બાંગ્લાદેશને પણ કોરોનાની રસી પૂરી પાડશે.