ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ ર૦૨૧-૨૨નું ડ્રાફટ બજેટ શુક્રવારે રજુ કરાશે

ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ ર૦૨૧-૨૨નું ડ્રાફટ બજેટ આગામી શુક્રવારે કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે. કોર્પોરેશનમાં નવો વિસ્તાર ભળ્યા બાદ આ પ્રથમ બજેટ હોવાથી નવા વિસ્તારોના વિકાસ કામો માટે બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવશે તેમ જાણવા મળી રહયું છે તો આ વર્ષે ડ્રાફટ બજેટ ૩૫૦ કરોડની આસપાસ રહેવાનો અંદાજ પણ લગાવાઈ રહયો છે.
રાજયના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને આસપાસના ૧૮ ગામ અને પેથાપુર નગરપાલિકાનો વિસ્તાર ભેળવી દેવામાં આવ્યો છે. હાલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોમાં વિવિધ કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે કોર્પોરેશને નવા વર્ષના બજેટની તૈયારી પણ શરૃ કરી દીધી છે. મ્યુનિ. કમિશનર દ્વારા આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ બજેટ રજુ કરવામાં આવશે. વર્ષ ર૦૨૦-ર૧નું રીવાઇજ અને નવા વર્ષ ૨૦૨૧-૨૨નું ડ્રાફટ બજેટ આ બેઠકમાં સુપરત કરવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હાલ બજેટલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી સે-૧થી ૩૦ અને આસપાસના સાત ગામોને ધ્યાને રાખી બજેટ તૈયાર કરાતું હતું ત્યારે આ વખતે શહેર ઉપરાંત નવા ૧૮ ગામો અને પેથાપુર પાલિકા વિસ્તારને પણ ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવનાર છે. આ વિસ્તારના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ડ્રાફટ બજેટ તૈયાર કરી તેમાં કામો આવરી લેવામાં આવશે. આ વર્ષે ડ્રાફટ બજેટ ૩પ૦ કરોડની આસપાસ રહેવાનો અંદાજ સેવાઈ રહયો છે. નોંધવું રહેશે કે તા.રરમી એટલે કે શુક્રવારે કમિશનર દ્વારા ડ્રાફટ બજેટ રજુ કરાયા બાદ સ્થાયી સમિતિ દ્વારા તેમાં સુધારા વધારા તેમજ નવા કામો પણ સૂચવવામાં આવશે. કોર્પોરેશનની હાલની ટર્મનું આ છેલ્લું બજેટ હોવાથી પ્રજા ઉપયોગી કામોનો સમાવેશ કરવાની પણ શકયતા જોવાઈ રહી છે કેમકે એપ્રિલ મહિનામાં ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પણ આવી રહી છે. એટલે નાગરિકો ઉપર નવા કોઈ કરવેરા નહીં ઝીંકવામાં આવે તે નક્કી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x