PM મોદી-મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં વેક્સિન લેશે; આ તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લાગશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓ કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં વેક્સિન લગાવશે.વેક્સિનેશનના બીજા તબક્કામાં દેશના એવા 75% સાંસદ, મુખ્યમંત્રી અને નેતાઓને વેક્સિન અપાશે જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરાઈ રહ્યો છે. કોરોના વેક્સિન અંગે અમુક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. કોંગ્રેસ સહિત વિપક્ષના અમુક નેતાઓએ કહ્યું હતું કે, વડાપ્રધાને પહેલા પોતે વેક્સિન લેવાની હતી.
દેશમાં હાલ વેક્સિનેશનનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે, જેના હેઠળ 7 લાખથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. સ્વાસ્થ્યકર્મીઓના વેક્સિનેશન પછી બીજો તબક્કો શરૂ થશે. જેમાં સેના, અર્ધસૈનિક દળના જવાનો અને 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનેટ કરાશે. જો કે હજી સુધી સ્પષ્ટતા નથી થઈ કે બીજો તબક્કો ક્યારથી શરૂ થશે. પણ બીજા તબક્કાની ગાઈડલાઈન નક્કી છે. આ તબક્કામાં પીએમ મોદી સહિત મોટાભાગના રાજ્યોના સીએમ, રાજ્યપાલ સહિત ઘણા વીવીઆઈપીને વેક્સિનેટ કરાશે,કારણ કે દરેકની ઉંમર 50 વર્ષથી વધુ છે.
પહેલા તબક્કાનું વેક્સિનેશન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. જેમાં 3 કરોડ ફ્રન્ટલાઈન વર્ક્સને વેક્સિન લાગે છે. ત્યારપછી 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહેલા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન લગાવાશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે,દુષ્પ્રચારથી દૂર રહો
કોરોના વેક્સિનેશનની શરૂઆત કરતા મોદીએ કહ્યું હતું કે, ‘તમારે કોઈ પણ પ્રકારના દુષ્પ્રચારથી બચીને રહેવાનું છે. આપણા વૈજ્ઞાનિકોની દુનિયામાં બહુ વિશ્વસનીયતા છે. આપણે આ વિશ્વાસ આપણા ટ્રેક રેકોર્ડથી હાંસિલ કર્યો છે. તમને જાણીને ગર્વ થશે કે દુનિયામાં જેટલા બાળકોને જીવનરક્ષક વેક્સિન લાગે છે તેમાંથી 60% ભારતમાં જ બને છે.’
છેલ્લા 5 દિવસમાં 7.86 લાખ હેલ્થકેર વર્કર્સને વેક્સિનેટ કરાયા
સરકારી આંકડાના જણાવ્યા પ્રમાણે 5 દિવસમાં વેક્સિનેશનના 14,119 સેશન થયા. જેમાં 7 લાખ 86 હજાર 842 હેલ્થકેર વર્કર્સને વેક્સિન અપાઈ.