કોમ્પ્યુટર ઓપરેટર પર કિન્નાખોરી રાખી હટાવી ન દેવાય તે માટે રજૂઆત,કલેક્ટરને આવેદનપત્ર
 ગાંધીનગરઃ
ગાંધીનગરઃગ્રામ્ય પંચાયતોમાં ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો મુદ્દે ગાંધીનગર કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે. ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્વારા અપાયેલા આવેદન પત્રમાં વર્ષોથી કામ કરતાં ઓપરેટરોને કાયમી કરવા , કાયમી કર્મચારીઓ્ને મળતા લાભો આપવા તેમજ નવા ચૂંટાયેલા સરપંચો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને છુટ્ટા ન કરાય તેવી માંગ કરી છે.
રાજ્યમાં 13,700  અને તેથી વધુ ગામડાઓમાં ઈ-ગ્રામ યોજના હેઠળ ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો છેલ્લા 10 વર્ષથી ભરતી કરવામાં આવેલા છે. જેમાં જન્મના દાખલા, જીઈબી બીલ, રેવન્યૂ રેકર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વર્ષોથી કામ કરતાં આ કર્મચારીઓ માટે લડત આપી રહેલી ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈને રજૂઆત કરાઈ છે. રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં નવા ચૂંટાયેલા સરપંચો દ્વારા આવા  ઓપરેટરોને કાઢી ન મુકાય તે માટે ખાસ રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે મંડળ દ્વારા જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરાઈ છે અને જિલ્લા પંચાયત દ્વારા સરકારને આ રજૂઆત મુદ્દે ચકાસણી કરીને નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે પત્ર લખાયો છે.

 
			