ફક્ત ૧૭ તલાટી માટે ૧૨ હજારથી વધુ ફોર્મ ભરાયા
ગાંધીનગર,
સરકારી નોકરીઓનો ક્રેઝ વધી રહ્યો છે તેમાં પણ રાજ્ય સરકારે ફિક્સ પગાર વધારી દેતસ ભરતીના ફોર્મ ભરવાની સંખ્યા વધી રહી છે. તેમાં પણ ઉમેદવારોને તલાટી બનવાનું જાણે વધુ પસંદ હોય તેમ તલાટીની ભરતી માટે વધુ યુવાનો ભાગ લેતા હોય છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના ૧૭ તલાટી માટે સાડા બાર હજારથી પણ વધુ ફોર્મ ભરાયા છે. જ્યારે ગ્રામસેવકની ૪૨ જગ્યા માટે પણ ૧૨ હજાર જેટલા ફોર્મ ભરાયા છે. તલાટીની તા.૧૨મીએ જ્યારે ગ્રામસેવકની તા.૧૮મીએ પરીક્ષા લેવામાં આવશે.
જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા તલાટી, ગ્રામસેવક તેમજ જુનિયર ક્લાર્ક સહિત મલ્ટીપલ તથા ફિમેલ હેલ્થ વર્કરની જગ્યા માટે ચાર મહિના પહેલા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંગે લાયકાત પ્રમાણે ઉમેદવારો પાસેથી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા હતા ફોર્મના આંકડાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સરકારી નોકરી પ્રત્યેનો ક્રેઝ વધતો જ જઇ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્યવિસ્તારમાં તલાટીની નોકરી કરવા માટે ઉમેદવારો વધુને વધુ રસ લઇ રહ્યા છે.પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા ગાંધીનગર જિલ્લા પંચાયતમાં તલાટીની ૧૭ જગ્યાઓ માટે ભરતી કરવાની છે જે માટે કુલ ૧૨,૫૪૩ ફોર્મ ભરાયા છે. આ તમામ ઉમેદવારોની પરીક્ષા આગામી તા. ૧૨મીએ સવારે ૧૧થી ૧૨ કલાક દરમિયાન યોજાશે.આ જ દિવસે મલ્ટીપલ હેલ્થ વર્કરની પણ પરીક્ષા બપોરે ૩થી ૪ કલાક દરમિયાન યોજાશે.
આ ઉપરાંત તા. ૧૮મીએ સાંજે ચારથી પાંચ વાગ્યા દરમિયાન ગ્રામસેવકનરી ૪૨ જગ્યા માટે પરીક્ષા યોજાશે તેમાં પણ કુલ ૧૨ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આવશે. જ્યારે તા.૧૯મીએ સવારે ૧૧થી ૧૨ કલાક દરમિયાન ૨૪ જેટલા જુનિયર ક્લાર્ક માટે ૫૧૧ જેટલા ઉમેદવારો પરીક્ષા આવશે. તો બપોરે ફિમેલ હેલ્થ વર્કર માટે ૨૪૨ ઉમેદવારો પરીક્ષા આપશે. આ તમામ પરીક્ષા ગાંધીનગરની ૩૯ શાળાઓમાં યોજાશે. તેમજ આ પરીક્ષામાં ગેરરીતી ન થાય તે માટે પણ સમિતિ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને જિલ્લા પંચાયતના ૧૫૦ જેટલા કર્મચારી અને અધિકારીઓને ખડપગે રહેવા માટે સુચના આપવામાં આવી છે.