કોર્પોરેશનને કેન્દ્રની ૩.૨૫ કરોડની ગ્રાંટ ગુમાવવી પડી : અંકિત બારોટ
ગાંધીનગર,
રાજ્યની આઠ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી વિશેષ ગ્રાંટ ફાળવવામાં આવે છે જેના માટે આ મહાનગરપાલિકાઓએ કેન્દ્ર સરકારના નિતી નિયમોનું પાલન કરવાનું હોય છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાને પણ ૩.૨૫ કરોડની ગ્રાંટ નિયમોનું પાલન નહીં કરવાના કારણે ગુમાવવી પડી હોવાનું કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું છે. એટલું જ નહીં આ જોગવાઈનો કોર્પોેરેશને નવા વર્ષના બજેટમાં ઉલ્લેખ કર્યો હોવાથી બજેટમાં પણ તેનો ફટકો પડશે.
એક સમયે કેન્દ્રમાં યુપીએનું શાસન હતું ત્યારે ગુજરાતની ભાજપ સરકાર કેન્દ્રની ગ્રાંટ મુદ્દે કાગારોળ મચાવતી હતી અને કેન્દ્ર સરકાર તરફથી સતત અન્યાય થતો હોવાની જાહેરાતો કરવામાં આવતી હતી. ત્યારે હાલમાં કેન્દ્રમાં અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા અન્યાય મુદ્દે સરકાર ચૂપ બેઠી છે. ભારત સરકારના નાણાં પંચ દ્વારા ત્રણ શરતોનું પાલન નહીં કરવાના મુદ્દે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અપાતી ગ્રાંટો રદ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાને પણ ૩.૨૫ કરોડ રૃપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે આ સંદર્ભે જણાવ્યું હતું કે વિકાસના નામે બણગાં ફુંકતી સરકારનો ફુગ્ગો ફુટી ગયો છે. વિપક્ષમાં રહી અન્યાયની વાતો કરતી સરકાર અને કોર્પોરેશનનો અસલી ચહેરો પ્રજા સામે આવી ગયો છે. ભાજપના નેતાઓ આમ પણ બે મોઢાની વાતો કરવામાં માહીર છે ત્યારે નવા વર્ષના બજેટમાં આ ગ્રાંટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે હવે મળવાની નથી ત્યારે કોર્પોરેશનના બજેટને પણ તેનાથી ફટકો પડયો છે. ત્યારે હવે ભાજપના કયા નેતાઓ કેન્દ્ર સરકારની નીતિઓ વિરૃધ્ધ રેલી કે ધરણાં યોજે છે તે જોવું રહયું.