Uncategorized

ભાજપના પ્રદેશ કાર્યાલયેથી જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોનાં નામ જાહેર થવાનાં હતાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બુધવારે ભાજપ દ્વારા અનેક જિલ્લાઓમાં ઉમેદવારોની જાહેરાત થઈ છે. ત્યારે ગાંધીનગરમાં મોડીરાત સુધી ઉમેદવારોની જાહેરાત થઈ ન હતી. બુધવારે સવારે પ્રદેશકક્ષાઓની જાહેરાત થઈ હતી કે જિલ્લા કક્ષાઓ યાદીઓ અપાઈ છે. જેમાં હવે યાદી જાહેર કરવી કે સીધા મેન્ડેટ આપી દેવા તે અંગે જિલ્લા પ્રમુખો નક્કી કરશે. પ્રદેશ કક્ષાએથી થયેલી જાહેરાતને પગલે ગાંધીનગર સહિત વિસ્તારોમાં દાવેદારો આખો દિવસ યાદીની રાહ જોઈને બેઠા હતા. આ સાથે સ્થાનિક નેતાઓ જિલ્લાથી લઈને પ્રદેશકક્ષાએ પોતાના લાગતા વગતા નેતાઓને ફોન કરીને યાદી અને પોતાની દાવેદારી અંગે પૂછતાં રહ્યાં હતા.

જોકે આ લખાય છે ત્યાં સુધી મોડી રાત સુધી જિલ્લા ભાજપ દ્વારા યાદીની જાહેરાત કરાઈ ન હતી. જેને પગલે અનેક દાવેદારો રાત્રs પણ કમલમ્ પહોંચી ગયા હતા. સ્થાનિક સ્વરાજની બેઠકોમાં 180 જેટલી બેઠકો માટે ભાજપમાંથી 600થી વધુ દાવેદારો મેદાને છે. જેને પગલે વધુ હોબાળો ન થાય અને અસંતોષીઓને ચૂંટણીમાં નુકસાન માટે વધુ સમય ન મળે તે પ્રમાણે સીધા મેન્ટેડ અપાઈને ધીરે-ધીરે જાહેરાત કરાય તો નવાય નહીં.

રિદ્રોલ બેઠક ઉપરથી બે મહિલાએ ફોર્મ ભર્યાં : માણસા તાલુકા પંચાયતની સીટ ઉપરથી ઉમેદવારોએ ફોર્મ ભરવાની કામગીરી ગત તારીખ 9મી, મંગળવારથી શરૂ થઇ છે. જેમાં રિદ્રોલની બેઠક ઉપરથી દિપીકાબેન કાળાભાઇ પટેલ અને નિમિષાબેન રસિકલાલ પટેલે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું. જોકે કોંગ્રેસમાંથી મેન્ડેટ આપવામાં આવ્યું નહીં હોવાનું દિપીકાબેન પટેલે જણાવ્યું છે.

જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાની ચૂંટણી માટે બંને પક્ષે કુલ 180 ઉમેદવાર નક્કી કરવાના છે, તેની સામે દાવેદારોનો કુલ આંકડો 1284 પર પહોંચ્યો છે. આથી ઉમેદવારોની જાહેરાત થતાં જ માથાકૂટ થશે તે નક્કી છે. જિ. પં.ની 28 બેઠક માટે ભાજપમાં 141, કોંગ્રેસમાં 160 દાવેદારો છે, જેમાં દહેગામની 7 બેઠક માટે ભાજપમાં 44, કોંગ્રેસમાં 41, કલોલની 6 બેઠક માટે ભાજપમાંથી 20, કોંગ્રેસમાંથી 40, માણસાની 7 બેઠક માટે ભાજપમાંથી 45 અને કોંગ્રેસમાંથી 38, ગાંધીનગરની 8 બેઠકો માટે ભાજપમાંથી 32, કોંગ્રેસમાંથી 35એ દાવેદારી કરી છે.

તા. પં.માં કલોલમાં 26 બેઠક માટે ભાજપમાંથી 81, કોંગ્રેસમાંથી 105, માણસાની 26 બેઠક માટે ભાજપમાંથી 101, કોંગ્રેસમાંથી 91, દહેગામની 28 બેઠકો માટે ભાજપમાંથી 101, કોંગ્રેસમાંથી 84 દાવેદાર છે. કલોલ પાલિકાના 11 વોર્ડમાં કુલ 44 સભ્ય ચૂંટાશે, જે માટે ભાજપમાંથી 114, કોંગ્રેસમાંથી 110 જ્યારે દહેગામ પાલિકાના 7 વોર્ડના 28 સભ્યોની ટિકિટ માટે ભાજપમાંથી 103, કોંગ્રેસમાંથી 93એ દાવો કર્યો છે.

કલોલ : કોંગ્રેસે નામ જાહેર ન કર્યાં હોવા છતાં ફોર્મ ભરાયાં
કલોલ પાલિકા તેમજ તાલુકા પંચાયત માટે વધુ 75 ફોર્મનું વિતરણ થયું હતું, જેમાં નગરપાલિકા માટે નવા 55 તેમજ તાલુકા પંચાયત માટે વધુ 20 ફોર્મનો ઉપાડ થયો હતો. જ્યારે આજ રોજ તાલુકા પંચાયત માં કોંગ્રેસ ના 2 ડમી ઉમેદવારો સહિત એક અપક્ષ મળી કુલ 7 ફોર્મ ભરાયાં હતાં.

જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરીસા સીટ પર ધુળાજી પુંજાજી ઠાકોર, પલસાણા સીટી પર શર્મિષ્ઠાબેન રવિભાઈ પટેલ, સઈજ -1 પર ઠાકોર મંજુલાબેન વિષ્ણુજી તેમજ ઠાકોર દક્ષાબેન કનુજી તેમજ સઈજ -2 બેઠક પર બબીતાબેન શકરાજી ઠાકોર અને જશીબેન કાંન્તીજી ઠાકોર એ ફોર્મ ભર્યું હતું. જ્યારે નાસમેદ સીટ પર સુરભાઈ હાકાભાઈ સેનમાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમજ જિલ્લા પંચાયત ની સઈજ સીટ પર કોંગ્રેસના રૂપાબેન મંગાજી ઠાકોર તેમજ ભુમિકાબેન જયંતિજી ઠાકોર એ ઉમેદવારી નોંધાવી છે.

પંચાયત અને પાલિકાનાં 222 ફોર્મનું વિતરણ ,14 ફોર્મ ભરાયાં
​​​​​​​સ્થાનિક સ્વરાજની ચુંટણીનું ફોર્મ ભરવાના ત્રીજા દિવસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના કુલ 222 ફોર્મનું વિતરણ કરાયુ હતું. જ્યારે કલોલ અને માણસામાંથી કુલ 14 ફોર્મ ભરાયા જ્યારે દહેગામ અને ગાંધીનગર સીટો માટે એકપણ ફોર્મ હજુ ભરાયા નથી. પંચાયત અને પાલિકાની ચૂંટણીના ફોર્મ વિતરણ અને ભરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. જેમાં ત્રીજા દિવસે જિલ્લામાં કુલ 222નું વિતરણથયુ હતું. જ્યારે તેની સામે 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે ત્રીજા દિવસે કુલ 60 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જ્યારે દહેગામ, કલોલ અને માણસા તાલુકા પંચાયતની કુલ 80 સીટો માટે કુલ 93 ફોર્મ અને કલોલ તથા દહેગામ પાલિકાની કુલ 18 બેઠકો માટે કુલ 69 ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની સીટોના ફોર્મનું વિતરણ દરેક તાલુકાકક્ષાએ કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરીમાં ત્રીજા દિવસે કુલ 14 ફોર્મ ભરાયા હતા.

તેમાં કલોલ તાલુકામાંથી જિલ્લા પંચાયતની બેઠક માટે 2, કલોલ તાલુકા પંચાયતની ચુંટણી માટે 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે માણસા તાલુકામાંથી જિલ્લા પંચાયતની સીટ માટે 1, માણસા તાલુકા પંચાયતની બેઠકો માટે 2 અને પાલિકાની સીટો માટે 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે તાલુકા હદમાં આવેલી જિલ્લા પંચાયતની સીટો અને દહેગામ તાલુકા પંચાયતમાંથી એકપણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી.

અપક્ષો પંચાયત, પાલિકાની ચૂંટણીમાં સમીકરણ બદલાવે તેવી સંભાવના
પંચાયત અને પાલિકાની ચુંટણીમાં માત્ર ત્રણ દિવસમાં જ 863 ફોર્મનું વેચાણ થતાં રાજકીય નેતાઓની ચિંતા વધી છે. ઉપરાંત ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ મળશે તો પણ જીતવા માટે કપરાં ચઢાણ બની રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 સીટો જ્યારે કલોલ, માણસા અને દહેગામ તાલુકાની કુલ 80 સીટો તેમજ દહેગામ અને કલોલ નગરપાલિકાની કુલ 18 સહિત કુલ 126 સીટો માટે ચુંટણીનો જંગ યોજનારા છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષની સાથે સાથે ઉમેદવારની પ્રતિષ્ઠા અને સમાજ મહત્વનો ભાગ ભજવે છે.

ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કુલ 863 ફોર્મનું વિતરણ થયું છે. જોકે આ વખતની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સહિતના પાર્ટીઓ ઝંપલાવશે. સ્થાનિક સ્વરાજની ચુંટણીના ફોર્મ વિતરણના સોમવારે 384, મંગળવારે 257 અને બુધવારે 222 ફોર્મ વિતરણ કરાયા છે.

જ્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ટિકીટ માટે કાર્યકરોમાં દાવેદારોનો પણ રાફડો ફાટ્યો છે. ત્યારે ટિકીટની અપેક્ષા પૂર્ણ નહી થાય તો કાર્યકરોમાં રોષ તેમજ બળવો સહિતની સ્થિતિ ઉભી થવાની શક્યતા રહેલી છે. ઉપરાંત અપક્ષમાં કે વિરોધ પક્ષમાંથી ચૂંટણી લડી શકવાની પણ શક્યતા છે. જો ટિકીટ નહી મળવા છતાં પક્ષમાં શાંત રહેનાર કાર્યકરો પક્ષ વિરોધી કામગીરી કરે તો તેની સીધી અસરથી સમીકરણો બદલાય તેવી શક્યતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x