ભાવનગરમાં ભાજપની બે પેનલ તથા જામનગરમાં એક પેનલ વિજેતા જાહેર, 105માં ભાજપ આગળ, 21માં કોંગ્રેસ આગળ, અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી એક સીટ પર આગળ
રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ તથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.
સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ, જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.
અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છે
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું. જેની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 6 મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.
અમદાવાદ મતગણતરી LIVE
અમદાવાદના દાણીલીંમડામાં કોંગ્રેસ આગળ જ્યારે જોતપુર વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલય ખાતે મતગણતરીની શરૂઆત સમયે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. એલ.ડી.કોલેજના 2 નંબરના ગેટ પાસે બેરિકેન્ડિંગ કરી રસ્તા બંધ કરવામાં આવ્યા, વાહન લઇને જવા પર પ્રતિબંધ, પોલીસ ઉપરાંત BSFનો બંદોબસ્ત ગોઠવાયો છે, ઉમેદવારો 3 નંબરના ગેટથી વાહન લઇને આવી શકશે.
રાજકોટ મતગણતરી LIVE
રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઇ ગઇ છે. બાદમાં EVM ખોલવામાં આવશે.ખરાખરીનો ખેલ શરૂ થતા મત ગણતરી સ્થળે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભાજપમાં 6 બેઠક પર અને એક બેઠક પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નં.10માં ભાજપના ઉમેદવાર આગળ છે.
સુરત મતગણતરી LIVE
સુરતમાં મતગણતરી સેન્ટર પર મહિલા પોલીસની તબિયત બગડી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બે કેન્દ્રો ઉપર શરૂ થઈ ગઈ છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને એસવીએનઆઇટી કોલેજ ખાતે કરાશે. મતગણતરી સેન્ટરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્રો પર ધીરે ધીરે ઉમેદવારો અને તેમના એજન્ટો મતગણતરી સેન્ટર ખાતે પ્રવેશી રહ્યા છે મતગણતરી સેન્ટરની બહાર તમામ અપડેટ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા માટે સ્ક્રીન પર ગોઠવવામાં આવી છે.
વડોદરા મતગણતરી LIVE
વડોદરામાં 11 બેઠક પર ભાજપ આગળ છે જ્યારે 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે. મતણતરી કેન્દ્રમાં પ્રવેશ મુદ્દે એજન્ટો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, ભાજપના કાર્યકરો-લોકોના ટોળા ઉમટ્યા છે. મતગણતરી ત્રણ રાઉન્ડમાં થશે. જેમાં પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર- 3, 6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર કરવામાં આવશે. પોલિટેકનિક કોલેજ બહારથી નગરજનો પરિણામ જોઇ શકે તે માટે સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર મતગણતરી LIVE
જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ 16 ની 64 બેઠકો માટેની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. બેલેટ પેપર બાદ હવે ઇવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી છે. પહેલા 1 કલાકમાં ભાજપ 4 બેઠક પર અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જામનગર વોર્ડ નંબર 13માં ત્રણ રાઉન્ડ પૂરા થયા છે. જેમાં 3 બેઠકો પર ભાજપ આગળ 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નં.5માં આપના ઉમેદવાર આગળ છે.
ભાવનગર મતગણતરી LIVE
ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર ચૂંટણી લડનારા 211 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. આજે સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી ઇવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી છે. 3 બેઠક પર ભાજપ અને 1 પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નંબર.1,4,7,11ની ગણતરી થઇ રહી છે. ભાવનગર વોર્ડ નં.1માં ભાજપના ઉપેન્દ્રસિંહ 1323 વોટથી આગળ છે.
કઈ મનપામાં કેટલા વોર્ડ, બેઠક અને કયા પક્ષના કેટલા ઉમેદવાર
કોર્પોરેશન | કેટલા વોર્ડ | બેઠક | કેટલા ઉમેદવારો | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ |
અમદાવાદ | 48 | 192 | 773 | 191 | 188 | 156 | 87 |
સુરત | 30 | 120 | 484 | 120 | 117 | 113 | 58 |
વડોદરા | 19 | 76 | 279 | 76 | 76 | 41 | 30 |
જામનગર | 16 | 64 | 236 | 64 | 62 | 48 | 27 |
રાજકોટ | 18 | 72 | 293 | 72 | 70 | 72 | 20 |
ભાવનગર | 13 | 52 | 211 | 52 | 51 | 39 | 4 |
કુલ | 144 | 576 | 2276 | 575 | 564 | 419 | 226 |
2015ના ચૂંટણી પરિણામો
કોર્પોરેશન | બેઠક | બિન હરિફ | ભાજપ | બિનહરિફ | કોંગ્રેસ | અપક્ષ |
અમદાવાદ | 192 | 0 | 143 | 0 | 48 | 1 |
સુરત | 116 | 1 | 79 | 1 | 36 | |
વડોદરા | 76 | 1 | 57 | 1 | 14 | 4 |
રાજકોટ | 72 | 0 | 38 | – | 34 | – |
જામનગર | 64 | 0 | 38 | – | 24 | 2 |
ભાવનગર | 52 | 0 | 34 | – | 18 | – |
2010થી 2021 સુધીનું મતદાન
મનપા | 2010 | 2015 | 2021 |
અમદાવાદ | 44.12 | 46.51 | 42.51 |
સુરત | 42.33 | 39.93 | 47.14 |
રાજકોટ | 41.06 | 50.4 | 50.72 |
વડોદરા | 44.41 | 48.71 | 47.84 |
જામનગર | 50.35 | 56.77 | 53.38 |
ભાવનગર | 45.25 | 47.49 | 49.46 |
કુલ | 43.68 | 45.81 | 46.08 |