ગાંધીનગર

25 વર્ષથી યોજાતા વસંતોત્સવને આ વર્ષે કોરોનાનું ગ્રહણ : માત્ર એક દિવસ માટે યોજાશે

ગાંધીનગર :
25 વર્ષથી યોજાતો અને ગાંધીનગરની ઓળખસમા સંસ્કૃતિ કુંજના વસંતોત્સવને આ વર્ષે કોરોના ગ્રહણ લાગ્યું છે. આ વખતે માત્ર એક દિવસ માટે જ યોજવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને પ્રવેશ મળશે નહીં. વસંતોત્સવની પરંપરા તૂટે નહીં તે માટે માર્ચના પ્રથમ સપ્તાહમાં એક દિવસીય વસંતોત્સવની ઉજવણી કરવામાં આવશે.
સાબરમતી નદીના કોતરમાં વિકસાવેલ સંસ્કૃતિ કુંજમાં દર વર્ષે યોજાતા વસંતોત્સવનું ગાંધીનગર અને આસપાસના નાગરિકોમાં અનેરું આકર્ષણ છે. જેમાં 10થી વધુ રાજ્યોના પારંપરિક લોકનૃત્યો, ગીત-સંગીત, ક્રાફ્ટ અને વિવિધ રાજ્યોના ખાણી-પીણી બજાર 10 દિવસ સુધી સતત ધમધમતા રહે છે, દરરોજ હજારો લોકો આનંદ માણવા આવે છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે વસંતોત્સવની મજા નાગરિકો માણી શકશે નહીં. સંસ્કૃતિ કુંજના ગેટ, માટીની બેઠકો અને હવેલીને સજાવાઇ રહી છે, પરંતુ નાગરિકો તેને બહારથી જ નિહાળી શકશે. કોરોનાને કારણે સરકારે વસંતોત્સવનો જાહેર કાર્યક્રમ યોજવાનું ટાળ્યું છે. પાલિકા-પંચાયતોની ચૂંટણી પત્યા બાદ માર્ચના પ્રથમ સપ્તાહમાં એક દિવસનો વસંતોત્સવ યોજાશે. મહાનુભાવો-મર્યાદિત આમંત્રિતોની હાજરીમાં લોકનૃત્યો અને ગીત-સંગીત સાથેનો આ કાર્યક્રમ રહેશે. યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ સી.વી.સોમે જણાવ્યું કે, કોરોનાને કારણે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ શક્ય ન હોવાથી, પરંપરા જાળવી રાખવા એક દિવસીય ઉજવણીનો નિર્ણય લીધો છે. તેનું લાઇવ ટેલિકાસ્ટ ટીવી પર જોઇ શકાશે. અગાઉ તાનારીરી અને મોઢેરાના ઉત્તરાર્ધ મહોત્સવનું પણ આ જ પ્રકારે આયોજન કરાયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x