થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઈંગ્લેન્ડ નારાજ, મેચ રેફરીને કરી વાત
અમદાવાદ, તા. 25. ફેબ્રુઆરી 2021 ગુરૂવાર
અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝની ત્રીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઈંગ્લેન્ડ નારાજ છે. આ બાબતે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ અને કોચે મેચ રેફરી સમક્ષ ફરિયાદ પણ કરી છે.
એક અહેવાલ પ્રમાણે ઈંગલેન્ડ ટીમના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ટીમના કેપ્ટન અને મુખ્ચ કોચે મેચ રેફરી જવાગલ શ્રીનાથને કહ્યુ છે કે, ત્રીજા અમ્પાયરના નિર્ણયોમાં સાતત્ય અને એકરુપતા હોવી જોઈએ.મેચ રેફરીએ પણ કહ્યુ હતુ કે, ઈંગ્લેન્ડના કેપ્ટને અમ્પાયર સમક્ષ ઉઠાવેલા સવાલો યોગ્ય હતા.
ઈંગ્લેન્ડની ટીમ બે નિર્ણયોને લઈને નારાજ છે.પહેલા મામલામાં સ્ટુઅર્ટ બ્રોડના બોલ પર ઓપનર ગિલ સ્લિપમાં બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો.જોકે કેચ બરાબર પકડાયો છે કે બોલ જમીનને અડકી ગયો છે તે ચેક કરવા માટે અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી અને તેમાં થર્ડ અમ્પાયર શમસુદ્દીને માત્ર એક જ એંગલથી રિપ્લે જોયા બાદ ગિલને નોટ આઉટ આપ્યો હતો.જોકે બીજી રિપ્લેમાં દેખાયુ હતુ કે, અમ્પાયરનો નિર્ણય સાચો હતો.
બીજા કિસ્સામાં રોહિત શર્મા સામે વિકેટ કિપર બેન ફોક્સે સ્ટમ્પિંગની અપીલ કરી હતી અને ત્રીજા અમ્પાયરે રોહિતની ફેવરમાં નિર્ણય આપ્યો હતો.જેના પગલે મહેમાન ટીમની નારાજગી સ્પષ્ટ પણે જોવા મળી રહી હતી.ઈંગ્લીશ ખેલાડીઓની દલીલ હતી કે, થર્ડ અમ્પાયરે બીજા કોઈ એંગલથી રિપ્લે જોયા વગર રોહિતને નોટ આઉટ આપી દીધો હતો.પહેલા દિવસની રમત પૂરી થયા બાદ ઈંગ્લેન્ડ ટીમના ઓપનર ક્રાઉલીએ પણ સવાલો ઉઠાવ્યા હતા.