ધો.૯ -૧૧ની પ્રથમ સત્ર પરીક્ષામાં પણ ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે
અમદાવાદ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી૧૨ની પ્રથમ સત્ર અને ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોની ઘટાડેલા અભ્યાસક્રમ મુજબની નવી પેપર સ્ટાઈલ જાહેર કરાઈ છે.જે મુજબ ધો.૯થી૧૨ (સા.પ્ર)માં પ્રથમ સ૬ પરીક્ષામાં પણ ૩૦ ટકા પ્રશ્નો હેતુલક્ષી જ પુછવાના રહેશે.
માર્ચમાં લેવાનારી ધો.૯થી૧૨ની પ્રથમ સત્ર પરીક્ષા આ વર્ષે કોરોનાને લઈને ઘટાડેલા અભ્યાસક્રમ મુજબ કઈ પેપર સ્ટાઈલ સાથે લેવી તે અંગે સ્કૂલો દ્વારા બોર્ડને સ્પષ્ટતા કરવા કરાયેલી રજૂઆતો બાદ બોર્ડે આજે પરિપત્ર કરી વિગતવાર સ્પષ્ટતા કરી છે.જે મુજબ ધો.૯થી૧૧ અને ધો.૧૨ સા.પ્ર.માં તમામ પ્રશ્નપત્રોમાં ૩૦ ટકા હેતુલક્ષી અને ૭૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો રહેશે. ધો.૧૨ વિ.પ્ર.માં ૫૦ ટકા એમસીક્યુ પ્રશ્નો અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો રહેશે. ધો.૯ અને ૧૧માં પ્રથમ પરીક્ષાના ૫૦ ગુણના પ્રશ્નપત્રોમાં ૧૫ ગુણના હેતુલક્ષી પ્રશ્નો અને ૩૫ ગુણના વર્ણનાત્મક પ્રશ્નો રાખવાના રહેશે.
ધો.૧૦માં ૮૦ ગુણના પ્રશ્નપત્રમાં ૨૪ અને ધો.૧૨ સા.પ્ર.ના ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૦ પ્રશ્નો હેતુલક્ષી રાખવાના રહેશે. ધો.૯થી૧૨ના પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ટુંકજવાબી, લાંબા પ્રશ્નો અને નિબંધ પ્રકારના પ્રશ્નો પુછી સકાશે. ઉપરાંત વર્ણનાત્મક પ્રશ્નોમાં અંદાજિત ૩૦ ટકા જેટલા જનરલ ઓપ્શનના પ્રશ્નો આપવાના રહેશે. આ વર્ષે કોરોનાને લઈને ધો.૯થી૧૨માં ૩૦ ટકા અભ્યાસક્રમ ઘટાડવામો આવ્યો છે ત્યારે ઘટાડેલા અભ્યાસક્રમ બાદ સુધારેલા અભ્યાસક્રમમાં આ વર્ષે પ્રથમ સત્રની પરીક્ષા કઈ રીતે લેવી તે માટેની તમામ ધોરણની પ્રશ્નપત્રની પેપર સ્ટાઈલ વેબસાઈટ પર જાહેર કરવામા આવી છે