10 લાખથી ઓછી વસ્તીવાળાં રહેવાલાયક દેશનાં 10 શહેરોમાં ગાંધીનગર 7મા ક્રમે
ગાંધીનગર :
દેશનાં 10 લાખથી ઓછી વસ્તી ધરાવતાં રહેવાલાયક શ્રેષ્ઠ 10 શહેરમાં રાજ્યમાંથી એકમાત્ર ગાંધીનગરનો સમાવેશ થયો છે. આ યાદીમાં 56.25નો સ્કોર મેળવી ગાંધીનગર 7મા ક્રમે છે જ્યારે મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં 10 લાખથી ઓછી વસ્તીવાળાં 10 શહેરની યાદીમાં ગાંધીનગરે 3જો ક્રમ મેળવ્યો છે. મહત્ત્વનું છે કે ગાંધીનગર ગ્રિનસિટી હોવા છતાં ગ્રીન બિલ્ડિંગમાં એક પણ ગુણ મળ્યો નથી. જો કે, 10 લાખથી ઓછી વસ્તીવાળાં શહેરોમાં સરળ જીવનધોરણ નક્કી કરવા માટે મળતી આવાસીય-આશ્રયની સુવિધા, વાહનવ્યવહારની સુવિધા, પર્યાવરણની જાળવણી, ઈકો ફ્રેન્ડલી ઈમારતો જેવાં માપદંડોને ધ્યાને લેવાયાં હતાં.
જો કે, મેયરે આ બાબતે જનતાનો આભાર માન્યો હતો અને આપણે સાથે મળીને હવે પાટનગરને પ્રથમ ક્રમે લાવવાનું છે અને તે માટેના પ્રયત્નો કરવા જેવી બાબતો જણાવી હતી. આ ઉપરાંત આ રેન્કમાં પ્રથમ ક્રમે સિમલા, બીજા ક્રમે ભુવનેશ્ર્વર તથા ત્રીજા ક્રમે સીલવાસાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય આવાસો અને શહેરી બાબતોના મંત્રાલયે ગુરુવારે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ રેન્કિંગ, 2020ની યાદી જાહેર કરી હતી, તેમાં અલગ-અલગ 2 કૅટેગરી છે. એક કૅટેગરી 10 લાખથી વધુ વસ્તીવાળાં શહેરો અને બીજી, 10 લાખથી ઓછી વસ્તીવાળાં શહેરોની કૅટેગરી છે. 10 લાખથી ઓછી વસ્તીવાળાં શહેરોમાં સરળ જીવનધોરણ નક્કી કરવા માટે મળતી આવાસીય-આશ્રયની સુવિધા, વાહનવ્યવહારની સુવિધા, પર્યાવરણની જાળવણી, ઈકો ફ્રેન્ડલી ઈમારતો જેવાં માપદંડોને ધ્યાને લેવાયાં હતાં.
એ જ રીતે મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ પરર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં 10 લાખથી ઓછી વસ્તીવાળાં શહેરોની પસંદગી માટે ડિજિટલ ગવર્નન્સ, ડિજિટલ લિટરેસી, શિક્ષણ અને આરોગ્ય, આવક અને ખર્ચનું સંચાલન, માળખાકીય સુવિધાઓ વેગેરે માપદંડો જોવાયાં હતાં. 10 લાખથી વધુ વસ્તીવાળાં શહેરોમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ થયો છે. જ્યારે 10 લાખથી ઓછી વસ્તીવાળાં શહેરોની યાદીમાં ગુજરાતમાંથી એક માત્ર ગાંધીનગરનો 56.25 સ્કોર સાથે સાતમા ક્રમે છે. પરિણામમાં ક્વાલિટી ઓફ લાઇફને 30 ટકા, ઈકોનોમી એબિલિટી 15 ટકા, સસ્ટેઇનેબિલિટી 20 ટકા, સિટીઝન પાર્સેપેટિશનને 30 ટકા મહત્ત્વ આપવામાં આવું હતું.
ગાંધીનગરને મળેલા સ્કોર
- રહેવાલાયક શહેર માટે
- ઓવલઓલ સ્કોર: 56.25
- ક્વાલિટી ઓફ લાઈફઃ 55.02
- ઈકોનોમી એબિલીટ: 15.12
- સસ્ટેનિબિલીટી : 51.99
- સિટીઝન પાર્સેપિટિશન સર્વે: 81.10
મ્યુનિસિપલ પર્ફોમન્સ માટે
- ઓવરઓલ: 51.59
- સર્વિસ: 64.20
- ફાઈનાન્સ: 47.50
- ટેક્નોલોજિ: 32.38
- પ્લાનિંગ: 50.53
- ગવર્નન્સ: 51.98
આપણે સાથે મળી પાટનગરને પ્રથમ ક્રમે લાવવાનું છે
આખા દેશમાં ગાંધીનગરનો રહેવાલાયક સિટીમાં 7મા અને મ્યુનિસિપાલટીમાં ત્રીજા નંબરે સમાવેશ થયો છે, તેનાથી હર્ષની લાગણી છે. જનતાનો આભાર માનું છું કે આપણે આ શહેરને સુંદર રીતે જાળવી રાખ્યું છે. આપણે સાથે મળીને ગાંધીનગરને આવતા દિવસોમાં પ્રથમ ક્રમે લાવવાનું છે અને તે માટેના પ્રયત્નો કરવાના છે. – રીટાબહેન પટેલ, મેયર
શહેરનું કઈ કેટેગરીમાં કેવું પર્ફોમન્સ રહ્યું
ગાંધીનગર શહેરને સેફ્ટી અને સિક્યુરિટી, હાઉસિંગ, ક્વૉલિટી ઓફ લાઇફ, એજ્યુકેશન, સિટીઝન પાર્સેપિટિશન સરવે, એનર્જી કન્ઝપ્શન જેવી કેટગરીમાં 100માંથી 60 અને તેનાથી ઉપર સ્કોર મળ્યા છે. હૅલ્થ, રિક્રેએશન, સસ્ટેઇનેબિલિટી, એનવાયર્ન્મેન્ટમાં 40થી 60 વચ્ચે ગુણ મળ્યા હતા. ઈકોનોમિક એબિલિટી, લેવલ ઓફ ઈકોનોમિક ડેવલપમેન્ટ, ઈકોનોમી ઓપોર્ચ્યુનિટી વગેરેમાં 30થી ઓછા ગુણ મળ્યા છે. ગ્રીન બિલ્ડિંગમાં શહેરને એક પણ ગુણ મળ્યો નથી.