કોંગ્રેસે કહ્યું, ‘2 મહિનામાં તેલના ડબામાં 400 વધ્યા’, ભાજપે જવાબ આપ્યો કે, ‘સરકાર ઉપર ઠીકરું ફોડવાનું બંધ કરો’
રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં થયેલા જંગી વધારાને લઇને કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે તેલિયા રાજાઓને સરકાર ફાયદો કરાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે, 2019માં 1 વર્ષમાં તેલના ડબ્બામાં માત્ર 96 અને 2020માં રૂ. 616નો વધારો થયો હતો. પરંતુ હાલ ડબ્બાનો ભાવ 2500 રૂ. છે તો ચૂંટણી ટાણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ 400 રૂપિયાનો વધારો થયો ને તેલિયારાજાને કેમ ફાયદો કરાવાયો તેનો જવાબ સરકાર આપે.
બધી વાતે સરકાર પર ઠીકરાં ના ફોડોઃ નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપતા કહ્યું કે, સરકાર પર આક્ષેપ કરવા કોંગ્રેસ ખોટા મુદ્દા ઉઠાવે છે. તેલિયારાજા ખોટું કરતા હોય તો તમે પણ કાર્યવાહી કરી શકો છો. બધી વાતે સરકાર ઉપર ઠિકરાં ફોડવાનું બંધ કરો. કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યા હતા કે ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ મળતો નથી અને નાગરિકોને તેલ મોંઘું મળે છે. મગફળીનું પૂષ્કળ ઉત્પાદન થયું છે તો તેલના ભાવ ઘટવા જોઇએ તેના બદલે વધે છે. પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સૌથી વધુ 7 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી હતી. કોરોના સંક્રમણને કારણે કાચામાલની અછત, પરિવહનમાં મુશ્કેલી અને શ્રમિકોની અછતને કારણે એપ્રિલ 2020 પછી તેલના ભાવમાં વધારો થયો છે.
તેલિયા રાજા ડબે 800 રૂ. ખાઇ જાય છે
કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કહ્યું હતું કે સરકાર મગફળી ખરીદીની વાતો કરે છે પરંતુ 1 ડબ્બો ચોખ્ખું તેલ નીકળે તેટલી મગફળીના ખેડૂતોને 1100 રૂપિયા ચૂકવાય છે. તેમાં 20 કિલો તો ખોળ નીકળે છે, જે વેચાય છે. તેલિયા રાજાઓ ડબ્બે 800 રૂપિયા ખાઇ જાય છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સરકારે તેલિયા રાજાઓ સામે શું કાર્યવાહી કરી તેનો જવાબ સરકારે આપવો જોઇએ.