કોંગ્રેસની રેલીને લઇને સત્યાગ્રહ છાવણીમાં કિલ્લેબંધી
ગાંધીનગર
નલીયામાં બનેલા સેક્સ કાંડના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોમવારે શહેરની સત્યાગ્રહ છાવણીમાં એક જાહેર સભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સત્યાગ્રહ છાવણી પોલીસની અભેદ કિલ્લેબંધીમાં ફેરવાઇ ગયુ છે. જેમાં 700 પોલીસ જવાનો મોરચો સંભાળશે.
એક તરફ સોમવારથી વિધાનસભાનુ સત્ર શરુ થઇ રહ્યુ છે. તો બીજી તરફ નલીયાકાંડના પડઘા શહેરની સત્યાગ્રહ છાવણમાં પડવાના છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે સોમવારે નલીયાકાંડને લઇને જાહેર સભાનુ આયોજન કરાયુ છે. ત્યારે પોલીસની ટીમ દ્વારા રવિવારથી જ મોરચો સંભાળી લેવામાં આવ્યો છે. જ્યારે સભા દરમિયાન કોંગ્રેસી કાર્યકરો ધમાલ ન કરે તેને લઇને પોલીસનો કાફલો ઉતારી દેવાયો છે.
જેમાં 6 એસઆરપીની ટુકડી, 4 એસપી, 10 ડીવાયએસપી, 25 પીઆઇ, 60 પીએસઆઇ, 500 પોલીસ, 200 મહિલા પોલીસ અને 3 વોટર કેનન લગાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ સભાને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે સાંજના સમયે સત્યાગ્રહ છાવણીમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં એક બેઠકનુ આયોજન પણ કરાયુ હતું.