ગાંધીનગરગુજરાત

મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે દિવ્યાંગ ઉદ્યમીઓને સન્માનિત કરી ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ’ની ઉજવણી કરાઈ

ગાંધીનગર તા. 04 ડિસેમ્બર-
એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ નિમિત્તે સફળ દિવ્યાંગ ઉદ્યમીઓને સન્માનિત કરીને આ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ,મંત્રી ડૉ. પ્રદ્યુમન ગણુભાઈ વાજાએ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી 20થી વધુ સ્ટોલના પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું.
સમારોહમાં સમાન તકોની આવશ્યકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું, “દિવ્યાંગજનોને જીવનના દરેક ક્ષેત્રમાં શિક્ષણ, રોજગાર અને આરોગ્ય સંભાળ સહિત સમાન તકો અને અધિકારો સુનિશ્ચિત રૂપે મળવા જોઈએ. ભારતએ વિકાસશીલ દેશોમાંનું એક છે, જે દિવ્યાંગજનોના કલ્યાણ માટે સૌથી વ્યાપક નીતિગત માળખું ધરાવે છે. સરકાર તેમજ ઈડીઆઈઆઈ જેવી સંસ્થાઓના સહકારથી, સતત દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવા અને તેમને સામાજિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રોમાં આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે.” દિવ્યાંગોને સશક્ત બનાવવા અને તેમના જીવનને ગૌરવ અને તકોથી સમૃદ્ધ બનાવવા માટેના પ્રતિબદ્ધ પ્રયાસો માટે મંત્રીશ્રીએ ડૉ. શુક્લા અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઈડીઆઈઆઈના મહાનિર્દેશક ડૉ. સુનીલ શુક્લાએ કહ્યું હતું કે, “ભારત એક સમાવિષ્ટ સમાજ બનાવવા માટે પગલાં લેવાની જરૂરિયાત તરફ આગળ વધી રહ્યું છે. નવી વિચારસરણી અને નવું વાતાવરણ ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ સંપૂર્ણ પરિવર્તન માટે આવશ્યક છે કે સમાજ સતત, પ્રતિબદ્ધ અને સક્રિય પગલાં ભરે, જે લોકોમાં દિવ્યાંગજનો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવા અને સમાનતાને સ્વીકારવા માટે પ્રેરણા આપે. ઈ.ડી.આઈ.આઈ.માં અમે આ દિશામાં ઉત્સાહજનક પરિણામો જોઈ રહ્યા છીએ અને દિવ્યાંગજનો માટે સહાયક તથા સમાવે એવા પરિસ્થિતિતંત્રને મજબૂત બનાવતી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ પણ વિકસાવી છે. ”
આ પ્રસંગે દિવ્યાંગ ઉદ્યમીઓને તેમના સાહસ અને મર્યાદાઓને પાર કરીને સફળતા પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત દિવ્યાંગ ઉદ્યમીઓમાં શ્રીમતી કવિતા મોદી (રવિ 555), શ્રીમતી ચેતનાબેન પટેલ (ગુરુશક્તિ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ) અને શ્રી કલ્પેશ મગનભાઈ પંડ્યા (સેલ એન્ડ રિપેરિંગ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ) નો સમાવેશ હતો. ઉદ્યમીઓને સન્માનપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (CEDA)’ પર આધારિત એક દસ્તાવેજનું વિમોચન પણ કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રની ઉપલબ્ધિઓ તથા સફળતા સાથે સંબંધિત કેટલીક પ્રેરણાદાયક કહાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ૮૦ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે બહોળી સંખ્યામાં દિવ્યાંગજન ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ)એ વર્ષ 2020માં પોતાના કેમ્પસમાં સામાજિક રક્ષા નિયામકાલય તેમજ ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાકીય અને વિકાસ નિગમ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકારના સહકારથી સેન્ટર ફોર એમપાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (CEDA)ની સ્થાપના કરી હતી. સંસ્થાએ અત્યાર સુધીમાં 416 ઉદ્યોગિતા અને કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો દ્વારા 14,754 દિવ્યાંગજન (PwDs) ને તાલીમ આપી છે, જેના પરિણામે 984 ઉદ્યમોની સ્થાપના થઈ છે.
કાર્યક્રમમાં ઈડીઆઈઆઈના મહાનિર્દેશક ડૉ. સુનીલ શુક્લા, ઉદ્યોગસાહસિકતા શિક્ષણ વિભાગના પ્રોફેસર અને ડિરેક્ટર ડૉ. સત્યા રંજન આચાર્ય, સરકારી પ્રોજેક્ટ્સ વિભાગના પ્રોફેસર-ડિરેક્ટર ડૉ. અમિતકુમાર દ્વિવેદી તેમજ ઈડીઆઈઆઈના એસોસિએટ પ્રોફેસર શ્રી ડૉ. પ્રકાશ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *