જાણો ક્યા રાજ્યોમાં 25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ!
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા સરકાર પણ એક્ટિવ છે. પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવે તો ભાવ ઘટી શકે તેમ હોવાની દલીલ થાય છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે માંગ કરી છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે. આ ઉપરાંત દિલ્હી સરકારે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે.
જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવે છે, તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને તેનો ફાયદો થશે. જો કેન્દ્ર આ પ્રકારનો નિર્ણય લેશે તો મહારાષ્ટ્ર સરકાર તેમનો સંપૂર્ણ સમર્થન કરશે તેવું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે.
બીજી તરફ મની કંટ્રોલ ન્યૂઝના અહેવાલ મુજબ દિલ્હી એસેમ્બલીમાં પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવાનો પ્રશ્ન ઉઠ્યો છે. જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો કિંમતોમાં 25 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે તેવું દિલ્હી વિધાનસભામાં નેતા વિપક્ષ રામવીર સિંહ બિધૂરીએ ચર્ચા દરમિયાન કહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી હતી.
સત્યેન્દ્ર જૈને વધુમાં કહ્યું હતું કે, પ્રતિનિધિ મંડળે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવી જોઈએ. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે રહેશે. સરકારના આ પગલાથી દેશની રાજધાની દિલ્હી તેમજ સમગ્ર દેશને ફાયદો થશે.
12 દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા હતા. છેલ્લા 12 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસથી લઈને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સુધી બધાએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ સરકારો પણ એકબીજા ઉપર આક્ષેપો કરી રહી છે.