રસી લીધા વગર 3 લોકોને સર્ટિફિકેટ પણ મળી ગયું, રસી મુકનાર જે નર્સનું નામ સર્ટિ.માં છે તે બે મહીનાથી રજા પર છે
વૅક્સિન લીધા વગર જ લોકો પાસે વૅક્સિન લીધી હોવાના સર્ટિફિકેટ આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. પહેલો કેસ શનિવારે આવ્યો હતો ત્યાર બાદ રવિવારે બે વધુ કિસ્સા સામે આવ્યાં છે. ચોંકવનારી બાબત એ છે કે, આ સર્ટિફિકેટ માં વૅક્સિન મુકનાર નર્સ મનીષા ગોહિલના નામનો ઉલ્લેખ છે, સચ્ચાઇ એ છે કે આ નર્સ બે મહીનાથી રજા પર છે. આ ગોટાળા પછી સુરત મહાપાલિકા પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. તે પણ સમજી નથી શકી કે આ ગરબડ ક્યાંથી થઈ રહી છે. એક પછી એક એમ ત્રણેક કિસ્સા સામે આવી જતાં આખરે પાલિકાની ટીમ તપાસ શરૂ કરી છે અને એક્સપર્ટની મદદ લેવામાં આવનાર છે.
છેલ્લા બે દિવસમાં 3 લોકોને ખોટા સર્ટિ.પહોંચી ગયા
કેસ 1: રસી ન લીધી હોવા છતાં મેસેજ આવી ગયો
પાંડેસરામાં રહેતાં અનૂપ સિંહે પોતાની માતા અન્નપૂર્ણા સિંહ અને પિતા હરિભાન સિંહને વેક્સિન અપાવવા માટે 10 માર્ચે ઓન લાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ પિતા હરિભાવ સિંહ હરિદ્વાર કુંભ જતાં રહ્યાં, તેઓ હાલ પણ ત્યાં જ છે, તેથી વૅક્સિન લઇ શક્યા નથી. અનૂપે બતાવ્યું કે તેમના પિતા એ વૅક્સિન લગાવ્યું હોવાનંુ સર્ટિફિકેટ ઓનલાઈન આવી ગયું છે.
કેસ 2: સેન્ટર પર જતાં પહેલા સર્ટિ.આવી ગયું
પાંડેસરામાં રહેતાં રાકેશસિંહે તેની સાસુ નિર્મલા સોલંકીને કોવિડની વૅક્સિન અપાવવા 13 તારીખનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવયું હતું. તેઓને બપોરે ત્રણ વાગ્યે બમરોલી હેલ્થ સેન્ટર પર જવાનું હતું, પરંતુ સેન્ટર પર જતાં પહેલાં તેમના મોબાઈલ પર મેસજ આવી ગયો કે નિર્મલા સોલંકીએ વૅક્સિન આપી દેવાઈ છે. આ મેસેજ વાંચતા જ તેઓ ચોંકી ગયા હતાં.
એક્સપર્ટની મદદ લઇને તપાસ કરાવીશું
પાંડેસરાના એક કિસ્સામાં જોયું છે વૅક્સિન આપી નથી. ટેક્નિકલ પ્રોબ્લેમ લાગે છે. બીજી ફરિયાદો આવી નથી. અન્ય કિસ્સામાં ટેક્નિકલ મુદ્દો છે એક્સપર્ટને પુછવું પડશે. એકની તપાસ કરાવી તેમાં અમારા ઑફિશિયલ રેકર્ડ પર નામ નથી બોલાતું. છતાં એક્સપર્ટની મદદ લઇને સમસ્યા નિવારીશું’ > ડો.આશિષ નાયક, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ