ગાંધીનગરગુજરાત

ગાંધીનગર-કોબા હાઇવે ઉપર 50 કરોડના ખર્ચે ભાઇજીપુરા પાસે ઓવરબ્રીજ બનશે

ગાંધીનગર:
ગાંધીનગર-અમદાવાદને જોડતા માર્ગો વધતા જતા ટ્રાફિકને કારણે પહોળા હોવા છતા પણ સાંકડા લાગી રહ્યા છે તેવી સ્થિતિમાં ઓવરબ્રીજ અને અંડરપાસ જ હાઇવેને વેગવંતો બનાવવા માટેનો વિકલ્પ બચ્યો છે. જેને લઇને ગાંધીનગર-સરખેજ હાઇવે ઉપર છ જેટલા ઓવરબ્રીજ બનાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે ગાંધીનગર-કોબા-ઇન્દિરાબ્રીજ હાઇવેના ટ્રાફિકને હળવો કરવાના ભાગરૃપે ભાટ સર્કલ ઉપર રૃપિયા ૧૩૬ કરોડના ખર્ચે ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે.જ્યારે શાહપુર સર્કલે પણ એક કિમી લાંબો ઓવરબ્રીજ બનાવવામાં આવશે આ બે ઓવરબ્રીજ ઉપરાંત ભાઇજીપુરા પાટીયા પાસે કે જ્યાં વધુ અકસ્માતો થયા છે ત્યાં પણ નવો ઓવરબ્રીજ બનશે તેવી જાહેરાત આજે વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ કરી છે. આમ, ચ-૦થી ઇન્દીરાબ્રીજ સુધી નવા ત્રણ ઓવરબ્રીજ બનશે.
ગાંધીનગર-અમદાવાદ ટ્વીનસીટી છે જેને લઇને આ બન્ને શહેરો વચ્ચે દિવસ રાત ટ્રાફિક રહે છે હાઇવે પહોળા કરવામાં આવ્યા હોવા છતા સતત ભારે ટ્રાફિકને કારણે આ માર્ગો સાંકડા લાગી રહ્યા છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદને જોડતા રસ્તાઓ ઉપર ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. સરખેજ હાઇવે ઉપર યુધ્ધના ધોરણે બાકી રહેલા બ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોબા હાઇવે પરનો ટ્રાફિક હળવો કરવા તથા સરદાર રીંગ રોડ પર વાહનો સરળતાથી પસાર થઇ શકે તે માટે ગાંધીનગર-કોબા-ઇન્દિરાબ્રીજ પર આવેલા ભાટ સર્કલ પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે જે માટે અગાઉ રાજ્ય સરકારના બજેટમાં રૃપિયા ૧૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અહીં કેબર સ્ટેઇડ બ્રીજનું નિર્માણ કરાશે.
આ ઉપરાંત શાહપુર સર્કલ કે જ્યાં હમણાં સવાર – સાંજ ખુબ જ ટ્રાફિક રહે છે. ત્યારે આ સર્કલ ઉપર કોબા હાઇવેને સમાંતર સીક્સલેન બ્રીજ બનાવવાનું સરકારે નક્કી કર્યું છે. આ એક કિલોમીટર જેટલાં લાંબા સિકસલેન ઓવરબ્રીજ બનાવવા પાછળ ૫૦ કરોડ રૃપિયાનો ખર્ચ પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને આજે રજુ કરવામાં આવેલા વર્ષ ૨૦૨૧-૨૧ના અંદાજપત્રમાં રૃપિયા ૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો આજે માર્ગ અને મકાન વિભાગના બજેટની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર-કોબા હાઇવે પર પીડીપીયુ જંક્શન એટલે કે, ભાઇજીપુરા પાટીયા પાસે પણ ઓવરબ્રીજ બનાવવામાં આવશે. જેની પાછળ પણ રૃપિયા ૫૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને બજેટમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ભાઇજીપુરા પાટીયા પાસે ઓવરબ્રીજ બની ગયા પછી ટ્રાફિકના પ્રશ્નોની સાથે છાશવારે થતા ગમખ્વાર અકસ્માતો પણ અટકશે. આ વખતે બજેટની જે જાહેરાતો થઇ છે તેમાં રીંગરોડ પર ભાટ સર્કલ પાસે, શાહપુર સર્કલ પર તેમજ ભાઇજીપુરા પાટીયા પાસે એમ ત્રણ ઓવરબ્રીજ બનાવવાની વાત કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x