પાટનગરમાં સરકારી આવાસોમાં ચાર હજાર કર્મચારીઓનું વેઇટીંગ
ગાંધીનગર :
ગાંધીનગર શહેરની સ્થાપના થઇ તે વખતે ફક્ત કર્મચારીઓ જ નગરમાં રહેતા હતા જેમના રહેણાંકની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને સરકારે જ નગરમાં સુવિધાસભર સરકારી આવાસો તૈયાર કર્યા હતા પરંતુ કાળક્રમે આ આવાસો ખખડધજ થઇ ગયા છે જેને લઇને હાલ જુના આવાસો ખાલી કરાવીને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. તો બીજીબાજુ કર્મચારીઓની ભરતી પણ મોટા પ્રમાણમાં થઇ છે જેને લઇને ગાંધીનગરમાં જ ટાઇપના મકાનોમાં દોઢ હજારનું વઇટીંગ થઇ ગયું છે. ત્યારે અન્ય કેટેગરી મળી કુલ ચાર હજારથી પણ વધુ કર્મચારીઓને મકાન ફાળવવામાં આવ્યા નથી.
પાટનગર તરીકે ગાંધીનગરને ડેવલોપ કરવા માટે અહીં કર્મચારીઓના રહેણાંકનો પ્રશ્ન સૌથી મોટો હતો કારણ કે, ખેતરો અને વગડાઓ ઉપર ઉભા કરવામાં આવેલા સેક્ટરોમાં રહેણાંક માટે કોઇ વ્યવસ્થા જ ન હતી. ત્યારે સરકારે કર્મચારીઓના પગાર ધોરણ પ્રમાણે વિવિધ કક્ષાના સરકારી મકાનો બાંધ્યા હતા તમામ સુવિધાઓથી સભર આ મકાનોમાં કર્મચારી તેમના પરિવાર સાથે રહે અને તેમનું ભાડું સીધુ પગારમાંથી કપાઇ જાય તેવી વ્યવસ્થા પણ છે ત્યારે કાળક્રમે વિવિધ સેક્ટરોમાં ઉભા કરાયેલા મકાનોની આવરદા પુર્ણ થવા આવી છે. ઘણા વખતથી થિંગડા મારીને ઉભા રાખવામાં આવી રહેલા આવાસો હવે જોખમી છે ત્યારે તેનો સર્વે કરાવીને જોખમી આવાસોમાંથી પરિવારને ખાલી પણ કરાવવામાં આવે છે. તો બીજી બાજુ સચિવાલય સહિત સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ભરતી પણ મોટા પ્રમાણમાં થઇ છે ત્યારે ગાંધીનગરમાં સરકારી આવાસોની સોર્ટેજ ઉભી થઇ છે. આ અંગે વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં કુલ ૪,૨૯૩ આવાસોની માંગણી વર્ષ ૨૦૨૦ને અંતે હતું. જેમાં જ કક્ષાના ૧,૩૭૯, ચ કક્ષાના ૧,૧૨૬ સહિતના અન્ય કેટેગરીના આવાસો સામે કર્મચારીઓની માંગણી હોવા છતા મકાનના અભાવે તેમને આવોસો ફાળવી શકાતા નથી. એક બીજુ જુના અને જોખમી આવાસો હોવાને કારણે કર્મચારીઓને તે મકાનો ફાળવી શકાતા નથી તો નવી જગ્યાએ તબક્કાવાર આવાસો બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે પરંતુ કર્મચારીઓની માંગણી પ્રમાણે હજુ ખુબ જ આવાસોની ઘટ છે. ઉલ્લેખનીય છે કે, ઘણા કર્મચારીઓ તથા સંસ્થાઓએ ગેરકાયદે આવાસોનો કબજો કર્યો છે ત્યારે તેમને ખાલી કરાવવામાં આવે તો પણ આ વેઇટીંગ ઓછુ થાય તેમ છે.