ગાંધીનગરના મોટી ભોયણમાં ખેડૂતોએ પોતાની જમીન બીજી વાર વેચી મારી : 14 સામે ગુનો નોંધાયો
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધિત છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલ તાલુકાના મોટી ભોયણમાં વર્ષ ર૦૦૬માં પ્લેટીનમ ફાઉન્ડેશન ટ્રસ્ટને ખેડૂતોએ જમીન વેચી દીધી હતી અને ત્યારબાદ આ જ જમીન વર્ષ ર૦૧૯માં બીજીવાર વેચી દેતાં આ મામલે ટ્રસ્ટના વહીવટી અધિકારી દ્વારા સાંતેજ પોલીસ સ્ટેશનમાં ૧ર ખેડૂતો સહિત કુલ ૧૪ વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જમીનોના ભાવ વધી રહયા છે તેની સાથે જમીન સંબંધિત છેતરપીંડીની ઘટનાઓએ પણ માથું ઉંચકયું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોયણ ખાતે આવેલા પ્લેટીનમ ફાઉન્ડેશન ટ્રસ્ટની જમીન મુળ માલિકોએ બીજી વાર વેચી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સંદર્ભે પ્લેટીનમ ફાઉન્ડેશનના વહીવટી અધિકારી ધવલ ચરણકુમાર શાહે સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મોટી ભોયણ ખાતે તેમના ટ્રસ્ટ ગાંધીનગર ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી નામની શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. જે માટે મોટી ભોયણની સર્વે નં.૧૧૬૬ની જમીન ચુંથાજી સોનાજી ઠાકોર, કેશાજી સોનાજી ઠાકોર, કાળાજી સોનાજી ઠાકોર, લાલાજી સોનાજી ઠાકોર, સીતાબેન ચંદુજી ઠાકોર, જીવણજી ચંદુજી ઠાકોર, સનાજી ચંદુજી ઠાકોર અને વિષ્ણુજી ચંદુજી ઠાકોર પાસેથી વર્ષ ર૦૦૬માં વેચાણ દસ્તાવેજથી રાખવામાં આવી હતી. ત્યારબાદ જમીન માલિક તરીકે ખેડૂતોના નામ ચાલુ રહેતા વારસાઈ નોંધ પડાવીને આ જમીનનો વર્ષ ર૦૧૯માં વારસદારો અને ખેડૂતોએ સંજય ગોવિંદજી ઠાકોર રહે. ભાટ ગામ દસક્રોઈ અને અશોકકુમાર માધાભાઈ પટેલ રહે. સ્વામીનારાયણ દ્વી શતાબ્દી સોસાયટી નિર્ણયનગર અમદાવાદને દસ્તાવેજ કરી આપ્યો હતો. જેથી આ સંદર્ભે ટ્રસ્ટે જિલ્લા પોલીસ વડાને રજુઆત કર્યા બાદ આ સંદર્ભે સાંતેજ પોલીસ મથકમાં ખેડૂતો સહિત વેચાણ રાખનાર કુલ ૧૪ વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.