મ્યાનમારમાં સૈન્યએ ગામડાઓ પર કરી એરસ્ટ્રાઇક, અનેક મોત બાદ લોકોમાં ભયનો માહોલ
યાનગોન :
મ્યાનમારમાં સૈન્યએ સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. દરમિયાન સૈન્ય દ્વારા પ્રદર્શનકારીઓ પર અત્યાચાર પણ જારી છે. રવિવારે મ્યાનમારમાં મોટી સંખ્યામાં અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મૃતદેહો પ્રદર્શનકારીઓના હતા જેઓ સૈન્યના અત્યાચારને કારણે મોતને ભેટયા છે. દરમિયાન રવિવારે કેરેન રાજ્યમાં ગામડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી જેમાં અનેક નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે ડરના માર્યા ત્રણ હજારથી વધુ નાગરિકો મ્યાનમારની સરહદ પાર કરીને પાડોશી દેશ થાઇલેન્ડ જતા રહ્યા હતા.
રવિવારે પણ મ્યાનમારમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનો જારી રહ્યા. સૈન્યએ લોકો પર ભારે ગોળીબાર પણ કર્યો છે. મ્યાનમારના યાંગૂન, મીકિટીલા, મોનીવા અને મંડાલે સહિત અનેક શહેરોમાં અંતિમ સંસ્કાર પહેલા લોકતંત્રના સમર્થનમાં પ્રદર્શનકારીઓના મૃતદેહોની અંતિમ યાત્રા નિકળી હતી.
પહેલી તારીખથી મ્યાનમારમાં સત્તા પલટો થયો તે બાદ થયેલા ઘર્ષણમાં થયેલી હિંસામાં 423 લોકોના મોત નિપજ્યા છે. શનિવારે જ 114 લોકોના મોત નિપજ્યા હતા. પાંચ દસકા સુધી મ્યાનમારમાં સૈન્યનું શાસન રહ્યું, જોકે આંગ સાંગ સુકીએ લોકશાહીના સમર્થનમાં કેમ્પેઇન ચલાવ્યું અને સરકાર બનાવી હતી જે લાંબો સમય ન ચાલી અને ફરી સૈન્યના હાથમાં સત્તા જતી રહી છે.
સૈન્ય દ્વારા અનેક પ્રદર્શનકારીઓની હાલ હત્યા થઇ રહી છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વખોડવામાં આવી રહી છે. અમેરિકાના સેક્રેટરી જનરલ એન્ટોનીઓ ગટેરેસે કહ્યું હતું કે બાળકો સહિતના નાગરિકોની મ્યાનમારમાં ખુલ્લેઆમ હત્યાઓ થઇ રહી છે જેનાથી મને બહુ જ આઘાત લાગ્યો છે. 12થી પણ વધુ દેશોના સૈન્ય વડાઓએ મ્યાનમારની સૈન્ય દ્વારા થઇ રહેલા આ આત્યાચાર અને હત્યાઓને વખોડી કાઢી હતી. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ગ્રીસ, ઇટાલી, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ, ન્યૂ ઝીલેન્ડ, સાઉથ કોરિયા, યુકે, અમેરિકાનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી સાથે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે મ્યાનમાર સૈન્યના અત્યાચારનો વિરોધ નથી થઇ રહ્યો જે દુ:ખદ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૈન્યના અત્યાચારોને વખોડવામાં આવ્યા છે પણ તેને અટકાવવા માટે કોઇ મોટા પગલા હજુ સુધી લેવામાં નથી આવ્યા.
જેને પગલે હાલ મ્યાંમારમાં ખુલ્લેઆમ સૈન્ય લોકોની હત્યાઓ કરી રહ્યું છે. બીજી તરફ મ્યાનમારમાં હવે સિવિલ વોરના મંડાળ જેવી સ્થિતિ છે. કેરેન રાજ્યમાં હવાઇ હુમલા બાદ ત્રણ હજારથી વધુ ગ્રામજનો મ્યાનમાર છોડીને પાડોશી દેશ થાઇલેન્ડ ભાગી ગયા હતા. હાલ લોકોમાં ભયનો માહોલ છે. અને ગમે ત્યારે સિવિલ વોર ફાટી નીકળે તેવી સ્થિતિ છે.