ગાંધીનગર: સેકટર.17 માં મારમારી કેસ, ટોળાં સામે રાયોટીંગનો ગુનો
ગાંધીનગર: ગાંધીનગર શહેરનાં સેકટર 17 સ્થિત મધ્યસ્થ લાઇબ્રેરી સામેનાં મેદાનમાં શુક્રવારે બપોરનાં સુમારે રાયોટીંગની ઘટના સામે આવી હતી. જેમાં અજયસિંહ જાડેજા નામનાં યુવાનને તલવાર, લોખંડની અંગલ તથા લાકડીઓથી માર મારીને સ્કોર્પીયોને નુકશાન પહોચાડવામાં આવ્યુ હતુ. આ બનાવમાં પિડીત યુવાને સેકટર 21 પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે નામ જોગ ઉપરાંત આશરે 100 લોકોનાં ટોળા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેરનાં સેકટર 15ની સરકારી કોલેજમાં થોડા દિવસો પુર્વે થયેલી બબાલની અદાવતમાં શુક્રવારે બપોરનાં સુમારે અજયસિંહ કેશુભા જાડેજા નામનાં યુવાન પર ઉવારસદનાં ઠાકોર સમાજનાં યુવકો દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તલવાર, લોખંડની એંગલ તથા લાકડીઓથી અજયસિંહને માર મારવામાં આવતા લોહીલુહાણ થઇ ગયો હતો. તેમને બચાવવા વચ્ચે પડેલા લોકો પર પણ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર શખ્સો દ્વારા અજયસિંહની સ્કોર્પીયોનાં કાચ પણ તોડી નાંખવામાં આવ્યા હતા.
પોલીસ સ્થળ પર પહોચે તે પહેલા હુમલાખોર શખ્સો ફરાર થઇ ગયા હતા. જયારે ઇજાગ્રસ્ત અજયસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ બાદ મોડી સાંજે ભોગ બનનાર યુવાન અજયસિંહ દ્વારા હુમલાખોરો પૈકી મહોતજી ઠાકોર, ધર્મેશ ઠાકોર, સચિન ઠાકોર તથા અન્ય સો જેટલા લોકોનાં ટોળા સામે મારામારી, રાયોટીંગ સહિતનાં ગુનાઓને વણી લઇને આઇપીસી કલમ 232,504,307,394,143,147,148,149,403,427,120(બી) તથા જીપી એક્ટ 135 હેઠળ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. અજયસિંહની આ ફરીયાદનાં આધારે સેકટર 21 પોલીસ સ્ટેશનનાં પીઆઇ મીની જોસેફે તપાસ હાથ ધરીને આરોપીઓની ધરપકડ કરવા પોલીસને સક્રિય કરી છે.