અશાંત કાશ્મીરના વેપારીઓએ ગૃહપ્રધાનને મળવાનો ભણી દીધો નનૈયો
અશાંત કાશ્મીરની બે દિવસની મુલાકાતે આવી પહોંચેલા ગૃહપ્રધાન રાજનાથ સિંહને મળવાનો કાશ્મીરના અગ્રીમ વેપારીઓ અને વાણિજ્ય સાહસિકોએ નનૈયો ભણી દીધો હતો.
કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા ગૃહપ્રધાન આજે સવારે કાશ્મીર આવી પહોંચ્યા હતા. તેમની સાથે પેરામિલિટરી ફોર્સના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના તેમજ ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના ડાયરેકટર જનરલ પણ હતા.
રાજનાથ સિંહ શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધશે જેમાં જમ્મુ-કશ્મીરના ગવર્નર નરિન્દર નાથ વોહરા અને મુખ્યમંત્રી મેહબુબા મુફતી પણ હાજર રહેશે.
ઉલ્લેખનિય છે કે કાશ્મીરમાં હિજબુલ મુજાહિદ્દિનના આતંકવાદી બુરહાન વાણીની હત્યાને પગલે છેલ્લા બે અઠવાડિયામાં ભડકી ઉઠેલી હિંસામાં અત્યાર સુધીમાં 45 લોકોના મોત નિપજ્યા છે અને આશરે 2000 લોકો ઘવાયા છે.
રાજ્યમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્રે 3000 પેરા મિલિટરી ફોર્સની ટૂકડીઓ મોકલી આપી છે.