ગાંધીનગરમાં સ્વયંભૂ લોકડાઉન કરવા નગરજનોને આહવાન
ગાંધીનગર :
ગાંધીનગરમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સત્તાની લાલચમાં ચૂંટણી યોજાતા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ એક જૂથ થઈને ચૂંટણીનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવાથી નગરની સ્વૈચ્છિક સંસ્થાઓએ સ્વયંભૂ લોકડાઉન કરી કોરોનાની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવા નગરજનોને આહવાન કરવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા દિવસોથી વસાહત મહાસંઘ દ્વારા ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વસાહત મહાસંઘ ઘરે ઘરે જઈને કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવા નગરજનોને અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ધીમે ધીમે ચૂંટણી રદ કરવાની માંગણીને નગરજનો પણ આવકારી રહ્યા છે. શહેર વસાહતમાં સંઘનું આંદોલન વેગવંતું બનતા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે. જેમાં શહેર વસાહત મહામંડળ જાગૃત નાગરિક પરિષદ પેન્શનર, સમાજ સિનિયર સિટીઝન કાઉન્સિલ, જ્યોતિ મહિલા મંડળ, ડેમોક્રેટિક એસોસિએશન ,એન્જિનિયર એસોસિએશન તેમજ શહેરી વેપારી મંડળ વગેરે ચૂંટણી મુલતવી રાખવાના આંદોલનને અનુમોદન આપવામાં આવ્યું હોવાનું વસાહત મહાસંઘના પ્રમુખ કેસરી બિહોલા જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ તેજ ગતિએ વધી જવા પામ્યું છે અને કોરોના કાર્ડની અત્યાર સુધીની સૌથી જ જોખમી આ સ્થિતિમાં શહેર હોવા છતાં ચૂંટણી યોજવા સરકાર મક્કમ છે તે દર્શાવે છે કે સરકારને નાગરિકોના સ્વાસ્થ્ય કરતા વધારે સત્તા મહત્વની જણાઈ છે. જો સરકાર હજી પણ ચૂંટણીઓ રદ કરવામાં આવશે નહીં તો આગામી સમયમાં આંદોલનને વધુ તેજ બનાવાશે જે માટે મહાસંઘને શહેરની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ પડખે હોવાની હૈયાધારણા આપેલી છે આગામી સમયમાં શહેરના નાગરિકો દ્વારા મુખ્યમંત્રી તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર ત્રણ હજારથી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવશે. ત્યારે હવે આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.