ગાંધીનગરગુજરાત

ભાજપ સરકાર ગરીબ અને મજુર વર્ગોના ખિસ્‍સામાંથી પણ વ્‍યવસાય વેરો વસુલશે : પરેશ ધાનાણી

ગાંધીનગર :

કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી ગુજરાત પસાર થઈ રહ્‌યું છે ત્‍યારે લોકોને સરકારી કરવેરામાંથી રાહત આપવાને બદલે રાજ્‍યની ભાજપ સરકારે લોકોના ખિસ્‍સામાં પૈસા નાંખીને અર્થતંત્રની તરલતા વધારવાને બદલે લોકોના પરસેવાની કમાણીમાંથી તેમના ખિસ્‍સા ખાલી કરવાનો કારસો ગુજરાત રાજ્‍ય વ્‍યવસાય, વ્‍યાપાર-ધંધા અને રોજગાર વેરા સુધારા કાયદાથી રચ્‍યો હોવાનો આક્ષેપ વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ આજરોજ વિધાનસભા ગૃહમાં કર્યો હતો.

ગુજરાત રાજ્‍ય વ્‍યવસાય, વ્‍યાપાર-ધંધા અને રોજગાર વેરા સુધારા કાયદાની જોગવાઈઓનો ઉલ્લેખ કરતાં વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, નાણામંત્રીએ ૨૦૧૯-૨૦ દરમ્‍યાન ઓછામાં ઓછા રૂ. ૧૫૦૦ કરોડ કરતાં વધુની આવક વ્‍યવસાય વેરા પેટે થઈ હોવાનું જણાવ્‍યું હતું. જે મુજબ સરકારે કરેલી જોગવાઈ મુજબ શાકભાજી અને ફળો વેચીને જીવન ગુજારતા પરિવાર, ચાની કીટલી ચલાવતા પરિવાર, તમામ લારી-ગલ્લાવાળા, દુકાનદારો, કરીયાણાની દુકાન, પાનની દુકાન, કેશકલા, માટીકામ, કાષ્‍ટકલા, લોહકલાના કારીગરો જેવા નાના ધંધા-રોજગાર કરતા પરિવારો અઢી લાખ કરતાં વધુ વાર્ષિક આવક એટલે કે દરરોજ રૂ. ૬૮૫થી વધુ રૂપિયાનો વકરો કરશે અને આ કાયદાથી મજુર મીનીમમ વેજીસનો કાયદો ગણ્‍યો છે ત્‍યારે રૂ. ૬,૦૦૦થી વધુના પગારદાર લોકો આ વેરાના દાયરામાં આવવાના છે. વ્‍યવસાય વેરો ભરતા આશરે ૩૦ લાખ કરતા વધુ પરિવારો આ કાયદાથી પ્રભાવિત થવાના છે. આ કાયદાથી કપરા કાળમાં અંદાજીત રૂ. ૭૫૦૦ કરોડ સુધીનું ભારણ લાદવાનો પ્રયાસ સરકારે કર્યો છે. મજુર માણસના પરસેવાની કમાણી ઉપર પણ વેરો વસુલવાનું હથિયાર આ કાયદો બનશે તેવો ભય શ્રી ધાનાણીએ વ્‍યક્‍ત કર્યો હતો.

દેશમાં જીએસટીનો કાયદો લાગુ કર્યો ત્‍યારે ‘વન નેશન, વન ટેક્‍સ’નો દાવો કરાયો હતો. દેશમાં તમામ પ્રકારના કરવેરાને નાબુદ કરવાનો સંકલ્‍પ સંસદમાં કર્યો હતો. રાજ્‍ય સરકાર કરવેરા વિનાનું બજેટ આપવાનો દાવો કરે છે પરંતુ પાછળથી કાયદામાં આવા છુપા સુધારા લાવીને લોકોના ખિસ્‍સા ખંખેરી રહી છે.

ફોજદારી કાર્યરીતિ સુધારા વિધેયક દ્વારા કલેક્‍ટરની સત્તા કોન્‍સ્‍ટેબલને સોંપીને રાજકીય હરીફોને ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ ભાજપ સરકાર દ્વારા થતો હોવાની શંકા વિપક્ષ નેતાશ્રીએ વ્‍યક્‍ત કરી હતી. લોકશાહીમાં અસંમતિ વ્‍યક્‍ત કરવાની સ્‍વતંત્રતા છીનવાઈ જશે અને લોકશાહીની ધાર બુઠ્ઠી કરવાનો કાયદો લાવવાનો વિરોધ કરતાં વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી કલમ-૧૮૮ અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરનારા જિલ્લા કલેક્‍ટર, પ્રાંત કે પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદને આધારે કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની જોગવાઈ હતી. જેમાં આ કાયદા સુધારાથી ફરિયાદ કરવાની સત્તા કોન્‍સ્‍ટેબલ-પોલીસને સોંપીને બંધારણે આપેલ સામાન્‍ય માણસના વાણી સ્‍વાતંત્ર્યના મુળભુત અધિકાર ઉપર તરાપ મારવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે. સરકાર સામે અસંમતિ વ્‍યક્‍ત કરવાની લોકશાહી વ્‍યવસ્‍થાને ખતમ કરવાનું ષડયંત્ર છે.

ફોજદારી કાર્યરીતિ સુધારા વિધેયકમાં ‘સિવાય’ની જગ્‍યાએ ‘અથવા’ શબ્‍દનો પ્રયોગ કરવાથી દુરોગામી અસરો થવાની છે. જાહેર સેવકે જાહેરનામું બહાર પાડયું છે એ જાહેરનામાનો કોઈપણ વ્‍યક્‍તિ ભંગ કરે તો એની લેખિત ફરિયાદના આધારે આવા વ્‍યક્‍તિ ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકતી હતી. આ ‘સિવાય’ની જગ્‍યાએ ‘અથવા’ શબ્‍દ લાગતા જે ફેર પડવાનો છે એ મેજીસ્‍ટ્રેટનો પાવર છે. જાહેરનામું બહાર પાડનાર મેજીસ્‍ટ્રેટ છે. એ જાહેરનામાનો કોઈ ભંગ કરે તો એના ઉપર ગુનો નોંધવાનું અને સાબિત કરવાનું કામ પોલીસનું છે. એટલે આ કાયદા અંતર્ગત પોલીસનો રોલ એ વકીલનો હતો. રાજકીય હરીફોને ગુનેગાર ઠેરવવા માટે આજે આ કાયદાથી મેજીસ્‍ટ્રેટના અધિકાર વકીલને આપવાનું પ્રાવધાન થઈ રહ્‌યું છે.

ગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાતમાં વર્ષમાં સરેરાશ ૩૦૦ દિવસ કોઈપણ કારણોસર કલમ-૧૪૪ના જાહેરનામા તળે પાબંદીઓ લગાવવામાં આવી છે. આ પાબંદીઓના કારણે સામાન્‍ય માણસોને સરકારી કચેરીઓમાં આવેદન આપવા કે રજૂઆત કરવા જવું હોય તો એ ચાર વ્‍યક્‍તિ ભેગા થઈને જઈ શકતા નથી. કોઈ ધરણા કરવા હોય કે રેલી, સરઘસ કાઢી શકતા નથી. એકલા વ્‍યક્‍તિને ઉપવાસ કરવા બેસવું હોય તો પણ બેસી શકે નહીં. સરકારી નિષ્‍ફળતાને ઉજાગર કરવા લોકશાહીમાં અસંમતિનો અધિકાર મળ્‍યો છે ત્‍યારે શાંતિપ્રિય રીતે અસંમતિ વ્‍યક્‍ત કરવાના અધિકારને કલમ-૧૪૪ તળે ક્‍યાંક બેડીઓ લગાવવાનો પ્રયાસ થઈ રહ્‌યો છે. આ જાહેરનામા તળે સામાન્‍ય માણસ પોતાની સમસ્‍યા અંગે અવાજ ઉઠાવવા જાય તો પણ ક્‍યાંક એને જેલના સળિયા પાછળ ધકેલવાનો ભય પેદા થયો છે. ક્‍યાંય અસંમતિના અધિકારને દબાવવા માટે આ કાયદાનો દુરુપયોગ થશે અને આનાથી આવતા દિવસોમાં અસંમતિનો અધિકાર લુપ્‍ત થઈ જવાનો ભય રહેલો છે. લોકશાહીની ધારને બુઠ્ઠી કરનારો આ કાયદો સરકાર રોકે તેવી માંગણી શ્રી ધાનાણીએ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x