Facebookની સુરક્ષામાં ગાબડું!, ૫૦ કરોડથી વધુ યૂઝર્સનો ડેટા જાેખમમાં
ન્યૂયોર્ક :
હેકર્સની એક વેબસાઈટ પર ૫૦ કરોડથી વધુ ફેસબુક યૂઝર્સના ડેટાની જાણકારી રહેલી છે. આ સૂચના અનેક વર્ષો જૂની લાગે છે, પરંતુ તે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા સાઈટ પર ભેગી કરાતી જાણકારીની સુરક્ષાને લઈને મોટો સવાલ ઊભો કરે છે.
ડેટા ઉપલબ્ધ થવાની જાણકારી બિઝનેસ ઈનસાઈડર વેબસાઈટે આપી. આ વેબસાઈટ મુજબ ૧૦૬ દેશોના લોકોના ફોનનંબર, ફેસબુક આઈડી, નામ, લોકેશન, ડેટ ઓફ બર્થ અને ઈમેઈલ ઓનલાઈન ઉપલબ્ધ છે.
લોકોની જાણકારીની સુરક્ષાને લઈને ફેસબુક પર અનેક સવાલ ઉઠતા રહે છે. સોશિયલ મીડિયા કંપનીએ ૨૦૧૮માં ફોન નંબર દ્વારા યૂઝર્સના એકાઉન્ટ શોધવાની સુવિધા એ ખુલાસા બાદ બંધ કરી દીધી હતી કે રાજનીતિક કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ ૮ કરોડ ૭૦ લાખ ફેસબુક યૂઝર્સની જાણકારી તેમની સહમતિ વગર આપી હતી. યુક્રેનના એક સિક્યુરિટી રિસર્ચરે ડિસેમ્બર ૨૦૧૯માં જણાવ્યું હતું કે ૨૬ કરોડ ૭૦ લાખ ફેસબુક યૂઝર્સની જાણકારી ઈન્ટરનેટ પર રહેલી છે. જાે કે હજુ એ સ્પષ્ટ નથી કે બિઝનેસ ઈનસાઈડરે જે ડેટા ઉપલબ્ધ થયો હોવાની જાણકારી આપી છે તે ડિસેમ્બર ૨૦૧૯ માં મળેલા ડેટા સંબંધિત છે કે નહીં. ફેસબુકે આ મામલે સ્પષ્ટતા કરવાની કોશિશ કરી છે અને કહ્યું કે લીક થયેલો તમામ ડેટા ૨૦૧૯ પહેલાનો છે. આ સાથે એમ પણ કહ્યું કે ડેટા લીક થયા બાદ બધુ ઠીક કરી દેવાયું હતું. જાે કે જાણકારોના જણાવ્યાં મુજબ જૂના ડેટાથી પણ હેકર્સ યૂઝર્સને નુકસાન પહોંચાડી શકે છે.