કોરોનાગ્રસ્ત અક્ષયકુમારની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ
મુંબઇ : અક્ષય કુમારે ગઇ કાલે જ કોરોના પોઝિટિવ થયાની જાણ કરી હતી. તે હોમ કોરોન્ટાઇન થયો હતો અને ડોકટર્સના જણાવ્યા પ્રમાણે દરેક નિયમોનું પાલન કરી રહ્યો હતો. પરંતુ તેની તબિયત બગડતા તેને સોમવારે હોસ્પિટલમાં એડમિટ થવુ પડયું હતું.જોકે તેણે સાથેસાથે એમ પણ કહ્યું હતું કે તેની તબિયત ચિંતિત થવા જેટલી ગંભીર નથી.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ભરતી થયાની જાણ કરી છે. અભિનેતાએ ટ્વિટર પર લખ્યું હતું કે, તમારી દુઆઓની અસર થઇ રહી છે. પરંતુ મેં મારા સ્વાસ્થયને મહત્વ આપતા હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છું. તમે બધા તમારું ધ્યાન રાખશો.
સૂત્રના અનુસાર અક્ષય કુમાર મુંબઇના પવઇ એરિયાની એચ.એલ.હીરા નંદાની હોસ્પિટલમાં ભરતી થયો છે. હોસ્પિટલના એક સૂત્રે નામ ન છાપવાની શરત પર એબીપી ન્યુઝને જાણકારી આપી હતી. જોકે હોસ્પિટલના સૂત્રે અક્ષયના સ્વાસ્થ્ય વિશે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો તેમ પણ સૂત્રે વધુમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલ અક્ષય ફિલ્મ રામ સેતૂની ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તે કોવિડ-૧૯ની લપેટમાં આવી ગયો. આ પછી ફિલ્મ સાથે જોડાયેલા ૭૫ લોકોની ટેસ્ટ થઇ હતી જેમાંથી ૪૫ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.
અક્ષયે કોરોના પોઝિટિવ આવ્યા પછી, સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી. એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, હું દરેકને જણાવા માંગુ છું કે, આજે સવારે મારી કોવિડ ૧૯ ટેસ્ટ પોઝિટિવ આવી છે. દરેક પ્રોટોકોલ્સના પાલન કરતા મેં પોતાને આઇસોલેટ કરી દીધો છે. હું ઘરે જ ક્વોરન્ટાઇન થયો છું અને સારવાર લઇ રહ્યો છું. જેઓ પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાની ટેસ્ટ કરાવી લે અને સાથેસાથે પોતાનું ધ્યાન રાખે. હું જલદી જ પાછો કામ પર આવી જઇશ.