ગાંધીનગર

સફેદ વાઘની ગાંધીનગરમાં એન્ટ્રી

ગાંધીનગર: ગાંધીનગરના પાદરે આવેલું ઇન્દ્રોડા પાર્કમાં પ્રકૃતિ શિક્ષણની શીબીરની સાથે પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે અહીં સિંહની જોડી સહિત દિપડા, શિયાળ જેવા હિંસક પ્રાણીઓ આવેલા છે ત્યારે આ પ્રાણીસંગ્રહાલયને વધુ આકર્ષક બનાવવા માટે અહીં વાઘની જોડી લાવવામાં આવી છે. રાજકોટના ઝુમાંથી સફેદ વાઘની જોડી ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવી છે.ગૌતમ અને ગોદાવરી નામના આ બે વાઘને હાલ ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે આગામી દિવસોમાં આચારસંહિતા તથા ક્વોરેન્ટાઇન પીરીયડ પુર્ણ થયા બાદ આ સફેદ વાઘની જોડીને મુલાકાતીઓ માટે પાંજરામાં ખુલ્લી મુકવામાં આવેશે.

ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા પાર્કમાં દર વર્ષે વિદ્યાર્થીઓ અને પ્રકૃતી પ્રેમીઓ માટે શિબિરો યોજાય છે અને અહીં હવે પ્રાણી સંગ્રહાલય પણ વિકસાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અહીં અગાઉ જુનાગઢ ઝુ માંથી સિંહની જોડી લાવવામાં આવી હતી અને પાર્કમાં દિપડા તથા શિયાળ સહિત અન્ય પ્રાણીઓ પણ છે. ત્યારે આ ઇન્દ્રોડા પાર્કને વધુ આકર્ષિત કરવા માટે હિંસક પ્રાણીઓ વધારવા જરૃરી હતાં. જેને લઇને રાજકોટથી સફેદ વાઘની જોડી ગાંધીનગર આ ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવી છે. ચાર દિવસ અગાઉ આ વાઘની જોડીને અહીં લાવવામાં આવી છે ત્યારે ત્યારે ગૌત્તમ અને ગોદાવરી નામના આ બંને સફેદ વાઘને કવોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે. બીજા ઝુ માંથી લાવવામાં આવ્યા હોવાના કારણે આ વાઘની જોડીને ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે રાજકોટના આ સફેદ વાઘની આંખો વાદળી રંગની અને પંજાના નખ ગુલાબી રંગના છે. તો બીજી બાજુ તેના અલાયદા પાંજરાની પાસે ટ્રેઇન અને અનુભવી કેઝકિપર રાખવામાં આવ્યાં છે. જેઓ દ્વારા આ વાઘની જોડી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. અન્ય ઝુ માંથી એટલે કે રાજકોટમાંથી આ વાઘની જોડીને ગાંધીનગરમાં લાવવામાં આવી હોવાના કારણે અહીંના વાતાવરણમાં તેને કોઇ તકલીફ પડે છે કે નહીં તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ક્વોરેન્ટાઇન પીરીયડ પુર્ણ થયા બાદ પણ નગરજનોને આ વાઘની જોડીના દર્શન નહીં થાય કારણ કે ગાંધીનગરમાં હાલ ચુંટણીલક્ષી આચારસંહિતા લાગુ છે. હવે જ્યારે ચુંટણી પુર્ણ થયા બાદ પરિણામો જાહેર થાય ત્યારે આ આચારસંહિતા હળવી થશે ત્યારે કોઇ ઉચ્ચઅધિકારી કે મંત્રી દ્વારા આ સફેદ વાઘની જોડીને મુલાકાતીઓ માટે પાંજરામાં ખુલ્લી મુકવામાં આવશે. સિંહ, વાઘ અને દિપડા માટે ઇન્દ્રોડા પાર્કમાં અગાઉ જ્યાં હાથી રાખવામાં આવતો હતો તેની પાછળના ભાગમાં ટાપુ પ્રકારના ત્રણ મોટા વાડા એટલે કે પાંજરા બનાવવામાં આવ્યાં છે જેમાં આગામી દિવસોમાં સિંહ, વાઘ અને દિપડાની જોડીને રાખવામાં આવશે અને મુલાકાતીઓ ઉપરના ભાગથી નિહાળી શકશે.

– સિંહની જોડીની સાથે હવે સફેદ વાઘની જોડી આકર્ષણ જમાવશે

એક સમયે ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય હોવા છતાં ખુબ જ નિરશ હતું. અહીં પ્રકૃતિ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ શિબિરમાં આવતાં હતાં પરંતુ આ પાર્કના ડેવલોપમેન્ટ માટે હવે સરકારે અહીં હિંસક પ્રાણીઓને લાવવાનું નક્કી કર્યું છે. જેને લઇને આ પાર્ક આકર્ષણ જમાવી રહ્યું છે. અગાઉ અહીં જુનાગઢથી સુત્રા અને ગ્રીવા નામની સિંહ-સિંહણની જોડી લાવવામાં આવી હતી. ત્યારે હવે સફેદ વાઘ ગૌતમ અને ગોદાવરીની જોડી રાજકોટથી લાવવામાં આવી છે. એટલું જ નહીં આ સિંહ અને વાઘની જોડી માટે ખાસ પ્રકારનો વાડો એટલે કે પાંજરુ પણ બનાવવામાં આવી રહ્યું છે જેમાં દિલ્હીના પ્રાણી સંગ્રહાલયની જેમ મુલાકાતીઓ ઉપરના ભાગેથી પ્રાણીઓને નીચે નિહાળી શકશે.

 – ટ્રેઇન સ્ટાફને ડયુટી આપી વાઘની વર્તણૂંક પર નજર

રાજકોટના પ્રાણી સંગ્રહાલયનું વાતાવરણ માફક આવી ગયું હોય તેમ અહીં સફેદ વાઘના છેલ્લા પાંચ વર્ષમાં નવ બચ્ચા જન્મ્યાં છે. ત્યારે આ રાજકોટના ઝુ માંથી લાવવામાં આવેલી સફેદ વાઘની જોડીને ગાંધીનગરનું વાતાવરણ માફક આવે છે કે કેમ તેનો અભ્યાસ હાલ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરના પાર્કમાં હાલ આ સફેદ વાઘની જોડીને નિયમ પ્રમાણે ક્વોરેન્ટાઇનમા રાખવામાં આવી છે. કવોરેન્ટાઇનના પાંજરા પાસે તાલીમબધ્ધ સ્ટાફની નિમણૂંક કરીને વાઘની જોડીની વર્તણૂંક ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના સહિત અન્ય બાબતને લઇને પણ પાર્કમાં તથા સફેદ વાઘના પાંજરા પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે.ગાંધીનગરના ખોરાક – પાણી અને વાતાવરણથી સંપુર્ણ અનુકુળ થઇ ગયા બાદ જ તેને મુલાકાતીઓ માટે પાંજરામાં ખુલ્લો મુકાશે.

 – અગાઉ ગૌરવ અને નિધી નામની વાઘની જોડી પાર્કમાં રખાઇ હતી

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં અગાઉ વર્ષ ૨૦૧૩-૧૪માં વાઘ અને વાઘણ લાવવામાં આવ્યા હતાં. અહીં ગૌરવ અને નિધી નામના વાઘની જોડી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ બંનેની ઉંમરમાં તફાવત હોવાના કારણે આ બંને વાઘ-વાઘણને એક પાંજરામાં રાખવા મુશ્કેલ થતાં હતાં. તો ગૌરવ નામના વાઘનું મોત થયાં બાદ નિધી વાઘણ એકલી પડી ગઇ હતી જેનું પણ આખરે ટુંકી માંદગી બાદ મોત થયું હતું. આ બંને રાષ્ટ્રીય પ્રાણીઓને પાર્કમાં જ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર જે તે વખતે કરવામાં આવ્યા હતાં આ બંને વાઘના મૃત્યુ પછી પાર્કમાં ફક્ત દિપડા આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં.જો કે ત્યારબાદ બે વર્ષ પહેલાં સિંહની જોડી લાવવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x