ચૈત્રી નવરાત્રિ 13 થી એપ્રિલથી શરૂ થશે, આ દિવસોમાં મત્સ્ય અવતાર અને શ્રીરામ નવમી પર્વ પણ આવશે
મંગળવાર, 13 એપ્રિલથી બુધવાર, 21 એપ્રિલ સુધી ચૈત્ર મહિનાની નવરાત્રિ રહેશે. આ વખતે નવ દિવસ સુધી દેવી માતાની ભક્તિ કરી શકાશે. આ દિવસોમાં મત્સ્ય અવતાર અને શ્રીરામ નવમી પર્વ પણ ઊજવવામાં આવશે. ચૈત્ર નવરાત્રિમાં માતાના નવ સ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને માતા સિદ્ધિદાત્રીની પૂજા ખાસ કરવી જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચૈત્ર નવરાત્રિના પહેલાં દિવસે જ બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી. ચૈત્ર મહિનાના સુદ પક્ષની તૃતીયા તિથિએ મત્સ્ય અવતાર અને નોમ તિથિએ શ્રીરામ અવતાર થયો હતો.
સૂર્ય, મંગળ અને બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થશેઃ-
આ વખતે નવરાત્રિમાં સૂર્ય, મંગળ અને બુધનું રાશિ પરિવર્તન થશે. સૂર્ય 14 તારીખે સવારે અને મંગળ 13 તારીખના રોજ રાશિ બદલશે. સૂર્ય મીન રાશિથી મેષમાં અને મંગળ વૃષભ રાશિથી મિથુનમાં આવી જશે. બુધ ગ્રહ 16 તારીખના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ વખતે નવરાત્રિની શરૂઆત સર્વાર્થસિદ્ધિ યોગમાં થઇ રહી છે. આ યોગમાં કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થાય છે, એવી માન્યતા છે.
ખરમાસ પૂર્ણ થશેઃ-
સૂર્યના રાશિ પરિવર્તન પછી ખરમાસ પૂર્ણ થઇ જશે. સૂર્ય જ્યારે ગુરુ ગ્રહના સ્વામિત્વ ધરાવતી ધન કે મીન રાશિમા હોય છે ત્યારે તે સમયને ખરમાસ કહેવામાં આવે છે. ખરમાસમાં લગ્ન, મુંડન, નવા ઘરમાં પ્રવેશ જેવા માંગલિક કાર્યો વર્જિત રહે છે.
દેવી માતાને આ વસ્તુઓ ચઢાવોઃ-
નવરાત્રિમાં દેવી માતાને સુહાની સામગ્રીઓ જેમ કે, લાલ ચુંદડી, બંગડી, કંકુ, મહેંદી વગેરે વસ્તુઓ ખાસ ચઢાવવી જોઇએ. લાલ ફૂલ પણ અર્પણ કરવા જોઇએ. નારિયેળ ચઢાવો. મીઠાઈ અને સિઝનલ ફળનો ભોગ ધરાવવો. દેવી માતાના મંત્રનો જાપ કરો. માતા સામે ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. નાની કન્યાઓના અભ્યાસ માટે ભોજન અને પોતાની શક્તિ પ્રમાણે દાન-પુણ્ય કરો.