ગુજરાતની પ્રજાના જીવ બચાવવા માટે લોકડાઉન ખૂબ જરૂરી : ડૉ. વસંત પટેલ
ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે નિષ્ણાત તબીબ ડૉ. વસંત પટેલે કહ્યું છે કે ગુજરાતમાં લોકડાઉનની ખૂબ જરૂર છે.
નિષ્ણાત તબીબે કરી લોકડાઉનની માંગ
ડૉ. વસંત પટેલે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના કેસ જે રીતે વધી રહ્યા છે, બે દિવસથી બે લાખથી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ખૂબ મોટો આંકડો લોકોને જોવા મળશે. ગુજરાતમાં નાના ગામડા સુધી કોરોના પહોંચી ગયો છે અને ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે સંવેદનશીલતા બતાવવી જોઈએ અને ગુજરાતની પ્રજાના જીવ બચાવવા માટે લોકડાઉન કરવું જોઈએ.
”ગુજરાતની પ્રજાના જીવ બચાવવા માટે લોકડાઉન જરૂરી”
વસંત પટેલે કહ્યું કે લોકડાઉન થશે તો જ અમારા જેવા ફ્રન્ટલાઇન વોરિયર્સને પણ બચાવી શકાશે. લોકડાઉનથી કોરોનાની સ્પીડને બ્રેક મારી શકીશું. અને કોરોના વાયરસને કંટ્રોલ કરી શકીશું.
કોરોનાની બીજી લહેર બની ઘાતક
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાં મોટા પ્રમાણમાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. જુદા જુદા રાજ્યોમાં હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હોવાની ફરિયાદ સામે આવી રહી છે અને સ્મશાનોના દ્રશ્યો પણ ભયાવહ દેખાઈ રહ્યા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ (16 એપ્રિલ, 2021)
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને દૈનિક કેસના આંકડામાં ખૂબ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે કેસનો આંકડો બે લાખને પાર થઈ ગયો છે. આજે કોરોના વાયરસના નવા 2,17,353 કેસ સામે આવ્યા છે જ્યારે 1,18,302 લોકો સાજા થયા છે. 24 કલાકમાં ભારતમાં 1,185 લોકોના મોત નિપપજ્યા છે.
2021માં ડોક્ટર પાસે કોવિડનો અનુભવ છેઃ ડો.હર્ષવર્ધન
ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધા બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે 2021માં 2020ના મુકાબલે ભલે કેસની સંખ્યા વધારે છે પરંતુ આપણે તૈયાર છીએ કારણ કે 2021માં ડોક્ટર પાસે કોવિડનો અનુભવ છે અને કોરોના બિમારીને ડોક્ટરો સારી રીતે સમજી ગયા છે. આપણી પાસે પહેલા કરતા વધુ આત્મવિશ્વાસ છે. તેમણે કહ્યું કે આપણે ટેકનોલોજી મામલે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને અત્યારે સૌથી મોટો પડકાર માત્ર કોરોનાની આ લહેર છે.