24 કલાકમાં 3,000થી વધુના મોત, 3.62 લાખ નવા કેસ
નવી દિલ્હી
દેશમાં કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. છેલ્લા એકાદ સપ્તાહથી દેશમાં દરરોજ કોરોનાના 3 લાખથી પણ વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં પહેલી વખત 3,000થી પણ વધારે લોકોના મોત થયા છે. વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં હોસ્પિટલોની સ્થિતિ પણ ખૂબ જ ભયાનક છે.
તાજેતરના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 3.62 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3,285 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ભારતમાં કુલ મૃતકઆંક પણ 2 લાખને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 3,62,902 નવા કેસની સાથે દેશમાં એક્ટિવ કેસનો આંકડો 29,72,106એ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,79,88,637 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને તે પૈકીના કુલ 2,01,165 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુ મામલે ભારત ચોથા નંબરે આવી ગયું છે. સૌથી વધુ મૃત્યુ અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકોમાં થયા છે અને તેના પછીના ક્રમે ભારતનો નંબર આવે છે.