સ્વચ્છતા સર્વેક્ષણમાં ગાંધીનગર ટોપ 5માં પણ નહી, જ્યારે કલોલ સાતમાં ક્રમે
ગાંધીનગરઃ
ભારત સરકારના શહેરી વિકાસ વિભાગે ગુરુવારે જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2017માં ગાંધીનગરનો દેશમાં 20મો નંબર આવ્યો છે. મહાપાલિકા પાસે મહત્વની કહેવાય તેવી એકમાત્ર કામગીરી નગરની સફાઇ કરવાની હોવા છતાં 1 થી 10 સૌથી સ્વચ્છ શહેરમાં સમાવેશ થવામાં સફળતા મેળવી શકાઇ નથી. જો કે કેન્દ્ર સરકારે ગાંધીનગરને વસતીની કેટેગરીમાં 10 લાખની વસતીના ધોરણમાં મુકી દીધું છે અને મહાપાલિકા વિસ્તારની વસતી હકિકતે 2,02,776 ની છે. ત્યારે ગાંધીનગરને 2 થી 10 લાખની કેટેગરી જોવામાં આવે તો 3જા ક્રમાંકે મુકી શકાય તેમ છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે પાટનગર સહિત મહાપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પગલા ભરવામાં આવ્યા છે અને તેના કારણે જ ગાંધીનગર ગત વર્ષના 42માં ક્રમાંક પરથી આગળ વધીને 20માં ક્રમાંકે પહોંચ્યું છે. પરંતુ અમારે 1 થી 10 નંબરમાં આવવા માટે વધારે મહેનત કરવાની છે. તેના માટે નવેસરથી કાર્યયોજના તૈયાર કરવામાં આવશે અને કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઇ રહે તેવી ઠોસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા સફાઇ સંબંધે નવા વાહનો અને જરૂરી સરંજામ પણ ખરીદવામાં આવનાર છે.
ગુજરાત રાજ્યમાં ગાંધીનગરનો ક્રમાંક 5મો આવ્યો
સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યના 31 શહેરનો સમાવેશ થયો છે તેમાં સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ બાદ ગાંધીનગરનો નંબર 1613 સ્કોર સાથે આવ્યો છે. આ સ્કોર 2 હજારમાંથી મેળવવાનો હોય છે. ગાંધીનગર આ સાથે ગુજરાતના શહેરોમાં 5માં ક્રમે આવ્યું છે.
પેથાપુર, દહેગામ અને માણસાનો નંબર નહીં
જિલ્લાની 4 નગરપાલિકાઓ પૈકી માત્ર કલોલનો નંબર સારી સ્વચ્છતા વ્યવસ્થા મુદ્દે લાગ્યો છે. પેથાપુર, દહેગામ અને માણસા નગરપાલિકાને કોઇ નંબર મળ્યો નથી.