ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રેરાના નિયમો તૈયાર: નિયમોનો ભંગ કરનાર બિલ્ડરને 5 ટકા દંડ થશે

ગાંધીનગરઃ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં 1લી મેથી રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા)નો અમલ શરૂ કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકારે આ માટેના નિયમો ઘડી કાઢ્યા છે. શહેરીવિકાસ વિભાગ દ્વારા શુક્રવારે નોટીફિકેશન જારી કરવામાં આવશે. ગુજરાતમાં રેરા હેઠળ થનાર એગ્રીમેન્ટના ઉલ્લંઘન બદલ બેન્ક લોનના લેન્ડીંગ રેટ ઉપરાંત 2 ટકાનો દંડ નિયત કરવામાં આવ્યો છે. ડેવલપર કે ગ્રાહક બંને માટે દંડના નિયમો સરખા રખાયા છે. બિલ્ડર દ્વારા કાયદાનો ભંગ થશે તેવા સંજોગોમાં પ્રોજેક્ટ કોસ્ટના 5 ટકા અને સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યમાં 500 ચોરસમીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ હોય તેમજ 8 યુનિટ કરતા વધુ બાંધકામ ધરાવતા પ્રોજેક્ટને રેરા કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. 1લી મે 2017 સુધીમાં બીયુ સર્ટિફિકેટ લીધું ન હોય તેવા તમામ પ્રોજેક્ટને રેરા લાગુ પડશે. આ કાયદા હેઠળ દરેક ડેવલપર, બિલ્ડર, પ્રમોટર, રીઅલ એસ્ટેટ એજન્ટે નિયત ફોર્મેટમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેમાં તેમનું પાનકાર્ડ અને ઓફિસનું કાયમી સરનામુ આપવું પડશે.

એગ્રીમેન્ટ થશે 7 દિવસમાં પઝેશન આપવું પડશે
ગ્રાહક અને ડેવલપર વચ્ચે એગ્રીમેન્ટ થશે. જેની સાથે પ્લાનની કોપી, લેઆઉટ, સહિતના ડોક્યુમેન્ટ આપવા પડશે. એગ્રીમેન્ટમાં કુલ ક્ષેત્રફળ, પાર્કિંગ એરીયા, બિલ્ટઅપ એરીયા, પ્રોપર્ટી માટે નક્કી થયેલી રકમ, તે રકમ ચૂકવણી માટે નિયત કરાયેલો સમય, ક્યારે બાંધકામ પુર્ણ થશે, ક્યારે કબ્જો સોંપાશે તેની ટાઇમલાઇન સ્પષ્ટ દર્શાવવાની રહેશે. ડેવલપરે બીયુ મળ્યાના 7 દિવસમાં ગ્રાહકને પઝેશન આપવું પડશે અને ગ્રાહકે 15 દિવસમાં કબ્જો મેળવી લેવાનો રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, લોકોને કોઇપણ ચોખ્ખી મિલકત મળે અને ડેવલપર ગ્રાહકો વચ્ચે વિવાદ ન થાય તે પ્રકારના નિયમો બનાવાયા છે. એકાદ દિવસમાં તેનું નોટીફિકેશન જાહેર થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *