રાષ્ટ્રીય

દેશમાં કોરોના બેકાબૂ થતાં 150 જિલ્લામાં કડક લોકડાઉન લગાવવાની તૈયારી

કોરોના (Corona) ની વધતી ઝડપને જોતા દેશના અનેક જિલ્લાઓમાં લોકડાઉન (Lockdown) લાગી શકે છે. કેન્દ્ર સરકારે આ અંગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેમાં રાજ્યોને કહેવાયું છે કે સૌથી વધુ સંવેદનશીલ જિલ્લાઓમાં કડક લોકડાઉન લગાવવું જોઈએ. જેથી કરીને સંક્રમણ ફેલાતું અટકે. જો કે કેન્દ્રએ જીવન જરૂરિયાતની વસ્તુઓને લોકડાઉનમાં છૂટ આપવાની વાત પણ કરી છે. અત્રે જણાવવાનું કે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ લખ્યું છે પ્રસ્તાવમાં
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પ્રસ્તાવમાં કહ્યું છે કે જો જલદી સંબંધિત જિલ્લાઓમાં લોકડાઉન લગાવવામાં ન આવ્યું તો સંક્રમણના કેસ ઝડપથી વધી શકે છે. પ્રસ્તાવમાં એવા 150 જિલ્લાઓમાં લોકડાઉન લગાવવાનું સૂચન કરાયું છે જ્યાં 15 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે. કેન્દ્રએ કહ્યું કે આ જિલ્લાઓમાં જરૂરી સેવાઓમાં છૂટ આપીને લોકડાઉન લગાવવાનું રહેશે. નહીં તો સ્વાસથ્ય સિસ્ટમ પર ખુબ વધુ બોજો આવી જશે.

રાજ્યોની સલાહ બાદ નિર્ણય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ ભલામણ કરી હતી. જો કે રાજ્ય સરકારો સાથે સલાહ બાદ કેન્દ્ર આખરી નિર્ણય લેશે. આ પ્રસ્તાવમાં વધુ સંશોધન થઈ શકે છે. પરંતુ મંત્રાલયનું માનવું છે કે હાલ કેસ લોડ અને પોઝિટિવિટી રેટને નિયંત્રિત કરવો જરૂરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમારા વિશ્લેષણથી જાણવા મળે છે કે ખુબ વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા જિલ્લાઓમાં આગામી  કેટલાક અઠવાડિયા માટે કડક લોકડાઉન લગાવવામાં આવશે. જેથી કરીને સંક્રમણની ચેન  તોડી શકાય.

તરત એક્શનની સલાહ
આ અગાઉ કેન્દ્ર સરકારે રવિવારે રાજ્યોને કહ્યું હતું કે એવા જિલ્લાઓ કે જ્યાં પોઝિટિવિટી રેટ એક અઠવાડિયાથી 10 ટકાથી વધુ છે ત્યાં કડક લોકડાઉન લગાવવું જોઈએ. આ સાથે જ સરકારે રાજ્યોને ચેતવ્યા હતા કે હાલના સંસાધનોથી કોરોનાની બીજી લહેરનો મુકાબલો થઈ શકશે નહીં. તેમાં સતત સુધાર કરવો પડશે. કેન્દ્રનું કહેવું છે કે રાજ્યોએ કોવિડના મેનેજમેન્ટ પર તત્કાળ કામ કરવાની જરૂર છે. નહીં તો સંક્રમણને નિયંત્રણમાં લેવું ખુબ મુશ્કેલ થઈ જશે.

અત્રે જણાવવાનું કે સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટકથી આવ્યા છે. કેરળ જેવા નાના રાજ્યમાં પણ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આંકડા મુજબ ભારતમાં હાલ સંક્રમણ દર 20 ટકા છે. દેશમાં એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે. સોમવારે દેશમાં 28.8 લાખ એક્ટિવ કેસ હતા. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને તામિલનાડુ દેશના આઠ એવા રાજ્યો છે જ્યાં કોરોનાના 1-1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. કુલ એક્ટિવ કેસમાં આ રાજ્યોની ભાગીદારી 69 ટકા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x