ગાંધીનગર જિલ્લાને રોજના 600થી 700 ઈન્જેક્શન જ મળે છે.
કોરોનાના સતત વધતાં કેસોને રેમડેસિવીર ઈન્જેક્શનની માંગ પણ સતત વધારો થયો છે. દર્દીની ગંભીર સ્થિતિમાં કોરોનામાં સંજીવની સમાન બની ગયેલા રેમડેસિવીર ઈન્જેક્શન માંગ હવે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે પણ થવા લાગી છે. કેટલાક કિસ્સામાં દર્દીઓ જાતે હોસ્પિટલો પર ફોર્સ કરીને ઈન્જેક્શન લખાવે છે તો ક્યાંક કેટલાક ડોક્ટર જલ્દી સારુ રિઝલ્ટ બતાવવા માટે ઈન્જેક્શન આપતા હોય છે. આ બધા વચ્ચે ગાંધીનગર જિલ્લાને રોજના 600થી 700 ઈન્જેક્શન જ મળે છે.
જેમાંથી 600 કે 700 પ્રમાણે ગાંધીનગર સિવિલને 150થી 200 ઈન્જેક્શન ફાળવવામાં આવે છે. જિલ્લામાં નાની-મોટી 50થી વધુ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર થાય છે. જેને પગલે વધેલા 500થી 550 રેમડેસિવીર ઈન્જેક્શન 50થી વધુ હોસ્પિટલો વચ્ચે આપવાના રહે છે. જેને પગલે ક્યાંકને ક્યાંક અનેક હોસ્પિટલોને જરૂરિયાત કે માંગણી પ્રમાણે ઈન્જેક્શન મળી રહેતાં નથી.
હોસ્પિટલો દ્વારા સંગ્રહ થતો હોવાની પણ ફરિયાદો
રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા દર્દીઓને નહીં પરંતુ હોસ્પિટલ તંત્રને ઈન્જેક્શનની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. આમ છતાં કેટલીક હોસ્પિટલો દ્વારા દર્દીઓના સગાઓને ઈન્જેક્શન માટે ફોર્સ કરતો હોવાની ફરિયાદો ઉઠે છે. બીજી તરફ હોસ્પિટલો દ્વારા દર્દીઓના નામે ઈન્જેક્શન લઈને સંગ્રહ કરાતો હોવાની વાત છે. સંગ્રહ કરાયેલા ઈન્જેક્શનો ઉંચી ભલામણ કે અંગત લોકોને અપાતી હોવાની ચર્ચા છે.