ગાંધીનગર : મેયર રીટાબેન પટેલે તેમની ગ્રાન્ટમાંથી ખરીદાયેલી 2 આઇસીયુ ઓન વ્હિલ્સ એમ્બ્યુલન્સ અને 5 વેન્ટીલેટરનું લોકાર્પણ કરાયું
ગાંધીનગર:
વૈશ્વિક મહામારી કોવિડ-19ના કપરા કાળમાં ગાંધીનગરના વસાહતીઓની મહામુલી જીંદગીઓ બચાવવા માટે મેયરશ્રી રીટાબેન પટેલની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા 5 વેન્ટીલેટર અને 2 આઇસીયુ ઓન વ્હિલ્સ અમ્બ્યુલન્સનું તારીખ 5મીએ ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલના હસ્તે મહાનગર પાલિકા ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મેયરશ્રી રીટાબેન પટેલ અને મહાનગર ભાજપ પ્રમુખશ્રી ઋચિરભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે સંગઠનના પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતાં.
મેયરશ્રી રીટાબેન પટેલે જણાવ્યું કે ગત તારીખ 19મીએ મ્યુનિસિપલ કમિશનરશ્રી રતનકંવર ગઢવીચારણને પત્ર પાઠવીને તેમની વર્ષ 2020-21ની વિવેકાધિન ગ્રાન્ટમાંથી 5 નંગ વેન્ટીલેટરની ખરીદી કરીને હોસ્પિટલ કે સંસ્થાને ફાળવવા માટે જાણ કરી હતી. આ ઉપરાંત અગાઉ વર્ષ 2018-19ની ગ્રાન્ટમાંથી એક એમ્બ્યુલન્સ ખરીદવા ભલામણ કર્યા બાદ ગત તારીખ 26મીએ વધુએક એમ્બ્યુલન્સ વર્ષ 2020-21ની ગ્રાન્ટમાંથી ખરીદ કરીને મહામારીના સંજોગોને ધ્યાનમાં રાખી દિન 7માં તેના સંબંધની ભૌતિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવ્યુ હતું.
કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાને રાખીને મહાનગર પાલિકા તંત્ર દ્વારા ઉપરોક્ત જીવન રક્ષક સાધનોની ખરીદ પ્રક્રિયા ઝડપભેર અને સમયસર પૂર્ણ કરવામાં આવી છે અને તારીખ 5મીએ ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવતા મહામારી સામેનો જંગ જીતવા માટે તંત્ર વધુ મજબુતીથી આગળ વધશે.