ગાંધીનગરમાં મોન્સુન પ્લાન: નદી કિનારની આસપાસના 40 ગામડાંઓને એલર્ટ
ગાંધીનગર:
ભારે ચોમાસા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં પણ પૂરની સ્થિતિ સર્જાવાની વાત નવી નથી. ત્યારે નદી કાંઠાના ગામોમાં તથા જે ગામો આસપાસ તળાવ આવેલાં છે તેવા વિસ્તારોમાં બેટની સ્થિતિનું સર્જન થાય છે. આ વખતે પણ ભારે વરસાદ પડે તો તે નદી કાંઠાના 40થી વધુ ગામો માટે આફતરૂપ પૂરવાર થાય તેમ હોવાથી પૂર-વરસાદી પાણીના ત્વરિત અને યોગ્ય નિકાલ માટે તંત્રે આગોતરી કવાયત શરૂ કરી છે. આપતિ વ્યવસ્થાપન માટે કલેકટર દ્વારા આગોતરા આયોજન કરવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
અગાઉના ચોમાસામાં અસરગ્રસ્ત બનેલા ગાંધીનગર તાલુકાનાં છાલા અને ચંદ્રાલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારો, કલોલ તાલુકાનાં મોટીભોંયણ તથા શહેરના પૂર્વ વિસ્તાર, કપિલેશ્વર મહાદેવ અને જીઇબી સબ સ્ટેશન વિસ્તાર, માણસા તાલુકામાં સુજલામ સુફલામ કેનાલ વિસ્તાર માટે પણ સજાગ રહેવા અધિકારીઓને કહેવામાં આવ્યું હતું. ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં અગાઉના ચોમાસાના અનુભવો સંદર્ભે વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આપતિ દરમિયાન જાનહાનિ કે, નુકશાન ન થાય તે માટે તમામ સુરક્ષા પ્રબંધ કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.