ચોમાસાની સિઝન પહેલા ગાંધીનગરના બજારમાં જાંબુનું આગમન
ગાંધીનગર:
ગાંધીનગર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીનો વ્યવસાય થાય છે. પરંતુ ફળફળાદી અન્ય સ્થળેથી અહીં આવે છે. જેમાં ચોમાસાનું ઋતુ ફળ કહેવાતા જાંબુનું વરસાદની પધરામણી પહેલા જ આગમન થઇ ગયું છે. નગરમાં સેકટર 21, 24 અને 7ના મુખ્ય શાકમાર્કેટમાં જાંબુ વેચાઇ રહ્યાં છે. જાંબુના વૃક્ષો પર જાંબુના કાળા ઝુમખા જુલવા લાગ્યા છે. આ દેશી જાંબુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અન્ય વાહનો મારફતે માર્કેટમાં પહોંચે છે. ચોમાસાના પ્રારંભે માર્કેટમાં જાંબુનું આગમન થાય છે. જો કે ચાલુ વર્ષે જાંબુનું વહેલા આગમન થયું છે.
સેકટર 21માં જાંબુનો વેપાર કરતાં પ્રકાશભાઇ પટણીએ જણાવ્યુ હતું કે, ગાંધીનગરમાં બે પ્રકારના જાંબુ વેચાય છે, એક દેશી અને બીજા પારસ જાંબુ છે. જેમાં દેશી જાંબુ શહેરના આસપાસના વિસ્તારોમાંથી આવે છે. જ્યારે પારસ જાંબુ પંચમહાલ બાજુથી અમદાવાદ માણેક ચોક આવે છે. ત્યાંથી તમામ બજારો સુધી પહોંચે છે. ગાંધીનગરમાં રોજના 700 કિલો જાંબુ વેચાય છે. આ વર્ષે એક સપ્તાહથી બજારમાં જાંબુ આવી ગયા છે.