ગુજરાતના જે જિલ્લાની જવાબદારી IAS વિજય નહેરાને સોંપાઇ ત્યાં રસીકરણનો બન્યો રેકોર્ડ
ગુજરાત સહિત આખા દેશમાં રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે ત્યાં બનાસકાંઠામાં 98 ટકા વસ્તીએ રસી લઈ લીધી છે.
ગુજરાત સહિત આખો દેશ અત્યારે કોરોના વાયરસ મહામારીથી પીડાઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર છે ત્યારે દેશમાં લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. દુનિયાના મોટા મોટા નિષ્ણાતઑએ પણ કહ્યું છે કે ભારતમાં વધુમાં વધુ લોકોને રસી આપીને જ તેમના જીવ બચાવી શકાય છે ત્યારે ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો અત્યારે દેશભરમાં મોખરે છે.
બનાસકાંઠામાં રસી લેવા માટે લોકોમાં સરાહનીય જાગૃતતા જોવા મળી છે અને રસી લેવા પાત્ર લોકોમાં 45 વર્ષથી વધુ ઉંમરના 98 ટકા લોકોએ રસી લઈ લીધી છે. બનાસકાંઠા જિલ્લાના 6 લાખ 17 હજારની વસ્તીમાંથી 6 લાખ 4 હજાર લોકોએ કોરોના વાયરસની વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે.
નોંધનીય છે કે IAS વિજય નેહરાને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે. એવામાં અધિકારીઓના વ્યૂહાત્મક આયોજનના કારણે રસીકરણનો રેકોર્ડ થયો છે. જિલ્લા કલેકટર તથા પ્રભારી સચિવના માર્ગદર્શન હેઠળ આખું કામ કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં રસી લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે પંચાયત સભ્યો, ધાર્મિક આગેવાનો, દૂધ મંડળીઓ, વ્યાપારીઓ મારફતે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.