ગાંધીનગરના સિવિલમાં ઉઘાડી લૂંટ, ૩૫૦૦૦ માં વેચાઈ છે વેન્ટિલેટર બેડ
ગાંધીનગર :
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવા માટે પણ અંદરનો સ્ટાફ જ કાળાબજારી કરી રહ્યો હોવાની માહિતી, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, કડક સજા કરાશે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પૈસા લઇને બેડ વેચાઇ રહ્યાં છે. કોરોના દર્દીઓને દાખલ કરવા માટે પણ હવે કાળાબજારી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ જ કાળાબજારી કરી રહ્યાં છે. સુપરિટેન્ડેન્ટે બહાર પાડેલા પત્રથી બેડ વેચાયાની સાબિતી થઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના દર્દીને વેન્ટિલેટર બેડ અપાવવાના રૂપિયા 35 હજાર ઉઘરાવાય છે.
કોરોના દર્દીનું સીધું એડમીશન કરવાના રૂપિયા 20 હજાર ઉઘરાવાય છે. જેને લઇને હવે આરોગ્ય વિભાગના વડાને પત્ર લખી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પેન્ડેમિક એક્ટનો ભંગ કરવાનું કૃત્ય ગણાવી કાર્યવાહીની માંગ કરી છે. તેમજ દર્દીના સગાની જાણકારી માટે સિવિલ હોસ્પિટલમાં બેનર લગાવામાં આવ્યા છે. જેમાં કોરોનાની મફત સારવાર થતી હોવાની બેનર મારફતે માહિતી આપવામાં આવી છે. અને બેડ માટે આર્થિક વ્યવહાર ના કરવા બાબતે અપીલ કરી છે.
ગાંધીનગરમાં સિવિલમાં બેડ માટે પૈસા મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. પૈસા લેતાં હશે તો પોલીસ વિભાગની મદદ લેવાશે. અને દાખલો બેસાડી શકાય તેવી કાર્યવાહી કરીશું. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, રેમડેસિવિર અને ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરતા લોકોને પણ કડક કાયદા હેઠળ સજા કરવામાં આવી છે.