આરોગ્યગુજરાત

”મારુ ગામ કોરોના મુકત ગામ” ના સરકારી તાયફા વચ્ચે જામનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોને ખંભાતી તાળા : પરેશ ધાનાણી

જામનગર :
સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય લાંબા સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વાયરસનો કહેર ગ્રામીણ વિસ્તારમાં ખૂબ વધારે જોવા મળ્યો છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી ડોકટરો, નર્સો, મેડિકલ સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવામાં સરકારે ધ્યાન ન આપ્યું તેમજ કોરોના વેક્સિન, દવાઓનો સ્ટોક, જરૂરી મેડિકલ સાધનો, વેન્ટિલેટર, ઓકસીજન સહિતની આરોગ્ય સુવિધાઓના અભાવ જેવી પૂરતી આરોગ્ય સેવાઓ ઉભી કરવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહેતા બેકાબુ થયેલ કોરોનાંથી દર્દીઓ ટપોટપ મોત ને ભેટી રહ્યા છે. આવા સમયે વિધાનસભા વિપક્ષનાં નેતા શ્રી પરેશભાઈ ધાનાણી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમા સરકારી હોસ્પિટલોમાં રૂબરૂ મુલાકાતો કરીને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી રહ્યા છે અને દર્દીઓને રૂબરૂ મળીને તેને મળતી સારવારની માહિતી મેળવી રહ્યા છે. ત્યારે ગઈકાલે કચ્છ નાં ભુજ અને ગાંધીધામ ખાતે હોસ્પિટલોની મુલાકાત લીધા બાદ આજે મોરબીની સરકારી હોસ્પિટલની મુલાકાત લઇને જામનગર જતા વચ્ચે ધ્રોલ તાલુકાની મુલાકાત દરમ્યાન લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની રૂબરૂ મુલાકાત દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા. આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરા તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. અને તેઓને પડતી મુશ્કેલીઓ જણાવી હતી. આ લતીપુર ગામમાં કોરોના બેકાબુ બનેલ છે અને કોરોનાથી સારવારનાં અભાવે આ ગામમાં ૧૩૦ થી વધુ લોકોના મોત પણ થયેલા છે. ત્યારે ભાજપ સરકારને હવે શરમ આવવી જોઈએ કે આટલી મહામારી છતાં સરકારને પેટનું પાણી પણ હલતું નથી. અને આરોગ્ય ક્ષેત્રે સંપૂર્ણ નિષ્ફળ રહેલી સરકાર મહામારીમાં ”મારૂ ગામ કોરોના મુક્ત ગામ” જેવા તાયફાઓ રહી છે. હવે સરકારની એક પછી એક ઉણપો-પોલ જાહેર થવા લાગી છે ત્યારે સરકારે સત્ય સ્વીકારવું જોઈએ અને પ્રજા હિત માં કામગીરી કરવી જોઈએ તેવું વિપક્ષ નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x